વાવ-થરાદ જિલ્લા માટે સરકારે બેઠકોનું નોટિફિકેશન જારી કર્યુ
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ રચાયેલા વાવ-થરાદ જિલ્લા માટેની બેઠકોનું નોટિફિકેશન સરકારે બહાર પાડ્યું છે. ઉત્તર ગુજરાતના વહીવટી માળખામાં આ એક ઐતિહાસિક પરિવર્તન છે. આ નિર્ણય 1 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયો હતો.

નવનિર્મિત વાવ-થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 બેઠકો નિર્ધારિત કરાઈ છે, જેમાં 17 સામાન્ય, 8 OBC, 4 અનુસૂચિત જાતિ (SC) અને 1 અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. થરાદ મુખ્ય મથક ધરાવતા આ જિલ્લામાં વાવ, થરાદ, સુઈગામ, દિયોદર, લાખાણી, ભાભર, રાહ અને ઢીમા એમ 8 તાલુકાઓનો સમાવેશ થાય છે.
વિભાજન બાદ બનાસકાંઠા જિલ્લાની નવી રૂપરેખા તૈયાર થઈ છે. અગાઉ 14 તાલુકાઓ ધરાવતો આ જિલ્લો હવે 10 તાલુકાઓ સાથે કાર્યરત રહેશે, જેનું વડુંમથક પાલનપુર જાળવી રાખશે. તેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા, દાંતીવાડા, ઓગડ અને હડાદ તાલુકાઓનો સમાવેશ થાય છે.
સરકારના જણાવ્યા અનુસાર, નવા જિલ્લાની રચનાથી સરહદી વિસ્તારોના વિકાસને વેગ મળશે. વાવ, થરાદ અને સુઈગામ જેવા અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને હવે જિલ્લા સ્તરના કામો માટે પાલનપુર સુધી લાંબુ થવું નહીં પડે, જે સ્થાનિક સ્તરે જ ઉકેલાશે. વહીવટી તંત્રની નિકટતા ઝડપી અને પારદર્શક સેવાઓ સુનિશ્ચિત કરશે.
નોંધનીય છે કે, 2025ની શરૂઆતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યની 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો હતો. આમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરનો સમાવેશ થાય છે.
આ નિર્ણય પહેલાં, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર એમ કુલ 8 મહાનગરપાલિકાઓ હતી. નવા ઉમેરા પછી રાજ્યમાં મહાનગરપાલિકાઓની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
