વધુ એક માવઠા માટે તૈયાર રહો, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ખેડૂતોને રડાવનારા માવઠાએ વિરામ લીધો છે પરંતુ હવે જે સમાચાર આવી રહ્યાં છે તે ખેડૂતો માટે ટેન્શન વધારનારા છે. અહેવાલો અનુસાર, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે.
અંબાલાલ પટેલના મતે, 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, 15 નવેમ્બર સુધી રાજ્યનું મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેવી સંભાવના છે. ત્યારબાદ 18 થી 24 નવેમ્બર દરમિયાન ફરી એકવાર કમોસમી વરસાદ (માવઠું) થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, 16 થી 18 નવેમ્બર વચ્ચે એક ચક્રવાત સર્જાશે, જેની અસર 18 થી 20 નવેમ્બર દરમિયાન વર્તાશે. આ સાથે જ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવવાની શક્યતા છે. આ કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન વાતાવરણમાં પલટો આવી શકે છે, અને 15 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે. 16 ડિસેમ્બર સુધીમાં પણ માવઠું થવાની સંભાવના છે.
શિયાળા અંગે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 20 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા જોવા મળશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું જોર વધશે. 8 નવેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે, જેના કારણે 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થશે. આ ઠંડા પવનો શિયાળુ પાક જેવા કે ઘઉં અને જીરું માટે અત્યંત અનુકૂળ રહેશે.
અંબાલાલ પટેલે બંગાળની ખાડીમાં એક વાવાઝોડાની આગાહી પણ કરી છે. તેમણે જણાવ્યું કે, 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ સર્જાશે, જે 23 નવેમ્બર સુધીમાં એક ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. આ ચક્રવાતને કારણે 23 થી 26 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે.
જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. અગાઉ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના પરિણામે રાજ્યમાં બેવડી ઋતુ એટલે કે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થશે તેવી આગાહી હતી.
હાલમાં સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે, અને રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ છે. પવનોની દિશા બદલાતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. 9 થી 10 નવેમ્બર દરમિયાન હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે, જેના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 18 થી 20 નવેમ્બર દરમિયાન આ સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે, જેની અસરથી દક્ષિણ ભારતમાં વરસાદ થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
