ગુજરાતમાં વધુ એક માવઠાના મંડાણ, આ વિસ્તારો પર જોખમ
ભારતભરમાં એક પછી એક સક્રિય થઈ રહેલી હવામાન પ્રણાલીઓને કારણે વાતાવરણમાં મોટા પલટાની સંભાવના છે. એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હીના વાતાવરણ પર અસર જોવા મળશે, જેના પરિણામે આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આ સિસ્ટમની અસર ૨૩ જાન્યુઆરીથી વર્તાઈ શકે છે, અને કમોસમી વરસાદ એટલે કે માવઠાની સ્થિતિ ૨૫ જાન્યુઆરી સુધી રહેવાનો અંદાજ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં હળવો અને છૂટોછવાયો કમોસમી વરસાદ પડી શકે છે, જોકે ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ સમયગાળા દરમિયાન વાદળછાયું વાતાવરણ પ્રવર્તશે.
માવઠાની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોથી થશે, ત્યારબાદ તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ જોવા મળશે, જ્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન ઠંડીમાં થોડો ઘટાડો અનુભવાશે. જોકે, ૨૫ જાન્યુઆરી પછી તાપમાનનો પારો ફરી નીચે ગગડતાં ઠંડીનો પ્રકોપ વધશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે માવઠાના આ તબક્કા પછી રાજ્યમાં ફરીથી કડકડતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ૨૫ જાન્યુઆરી બાદ કેટલાક જિલ્લાઓમાં તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જવાની શક્યતા છે, જેના કારણે કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સારી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ હવામાન વિભાગના અનુમાન મુજબ હવે તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો થશે, જેથી લોકોને થોડી રાહત મળશે. દિવસનું તાપમાન પણ ઊંચું જશે અને ઠંડા પવનોની તીવ્રતા ઘટશે. પરિણામે, દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી એમ બેવડી ઋતુનો અનુભવ થશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ ૨૧ જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે, ત્યારબાદ ફરી ઠંડીની તીવ્રતા વધશે. ૨૨ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા થવાની ધારણા છે.
વિશેષ કરીને, ૨૨ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન કાશ્મીર ખીણમાં અમુક સ્થળોએ અને ૨૩ જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ તેમજ ઉત્તરાખંડના ઊંચા વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને વરસાદની શક્યતા છે. ઉત્તરીય મેદાનીય વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. ૨૨ થી ૨૪ જાન્યુઆરી દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.
પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ૨૩ થી ૨૪ જાન્યુઆરી અને રાજસ્થાનમાં ૨૨ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMDના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું કે આગામી બે દિવસમાં ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. જોકે, આગામી પાંચ દિવસમાં તાપમાનમાં ધીમે ધીમે ૩-૫°C નો વધારો થવાની ધારણા છે, જેના કારણે શીતલહેરમાં ક્રમશઃ ઘટાડો થશે.












Click it and Unblock the Notifications
