For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કટોકટીના કાળા ઇતિહાસને યાદ કરતા મોદીએ વાગોળ્યા પોતાના અનુભવો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઇતિહાસમાં કલંક સમાન દિવસોની વરસીને યાદ કરતા દેશની જનતા માટે એક પત્ર રજૂ કર્યો છે. મોદીએ પોતાના પત્રમાં ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાગુ કરવામાં આવેલી કટોકટી વખતના સમયને યાદ કરતા પોતાના વિચારો અને પોતાના અનુભવો વ્યક્ત કર્યા છે. મોદીએ કટોકટીને ભારતીય ઇતિહાસના કાળા દિવસો ગણાવ્યા છે, અને તત્કાલિન કોંગ્રેસ સરકાર પર ચાબખા માર્યા છે. મોદી પોતાના પત્રમાં વધુ લખે છે કે...

પ્રિય મિત્રો, બરાબર ૩૮ વર્ષ પહેલા, આજના જ દિવસે, પ્રજાસત્તાક ભારતને તેના તાજેતરનાં ઇતિહાસની સૌથી કપરી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. અહંકાર અને સત્તામાં નશામાં ચૂર બનેલા કેટલાક રાજકારણીઓને જ્યારે લાગ્યુ કે હવે તેઓ પોતાની સત્તા ટકાવી શકશે નહિ, તો રાજીનામુ આપવાનાં બદલે તેમણે દેશનાં લોકશાહી માળખાને જ તોડી પાડવાની કવાયત કરી. 26મી જૂન 1975ની મધ્યરાત્રિએ દેશમાં કટોકટી લાદી દેવામાં આવી અને ભારતીય ઈતિહાસનાં એક અત્યંત કાળા કહી શકાય એવા સમયની શરૂઆત થઈ.

આ કટોકટી સાથે સંકળાયેલી ઘણી યાદો મારા મનમાં છવાયેલી છે. તે સમયે હું 25 વર્ષીય નવજુવાન હતો. મેં હજી હમણાં જ આરએસએસ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. પરંતુ, તે કાળા દિવસો દરમ્યાન મેં જે જોયું તે આજીવન મારા મનમાં અંકિત થઈને રહેશે. લોકોની વ્યક્તિગત સ્વતંત્રાને ક્રૂરતાથી કચડી નાંખવામાં આવી તેને કોણ ભુલી શકે? MISAનો છડેચોક દૂરુપયોગ કરીને રાજકીય વિરોધીઓને નિશાન બનાવવામાં આવ્યા તેને કોણ ભુલી શકે? પ્રચાર માધ્યમોને તાળાબંધી કરવામાં આવી તે કોઇ ભુલી શકે? દેશભરમાં લાખો લોકોએ 19 માસ સુધી કરેલા સખત સંઘર્ષને આપણે કેવી રીતે ભુલી શકીએ? વ્યક્તિગત જોખમની પરવા કર્યા વિના અનેક લોકોએ દેશમાં લોક્શાહી પુન:સ્થાપિત કરવા પોતાનું જીવન સમર્પિત કરી દીધું.

એક જ લક્ષ્ય માટે લડી રહેલા અનેક નેતાઓ અને સંસ્થાઓ સાથે કામ કરવાની ઉત્તમ તક આ કટોકટીકાળે મારા જેવા નવયુવાનોને આપી. જે સંસ્થાઓ સાથે રહીને ઉછર્યા હતા તેના સીમાડાઓ ઓળંગીને કામ કરવા અમે સમર્થ બન્યા. અટલજી, અડવાણીજી, સ્વ. શ્રી. દત્તોપંત ઠેંગડી, સ્વ. શ્રી. નાનજી દેશમુખ જેવા અમારા પરિવારનાં દિગ્ગજ નેતાઓથી લઈને શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ જેવા સમાજવાદી અને મોરારજી દેસાઈની નજીક રહેલા શ્રી રવિન્દ્ર વર્મા જેવા કોંગ્રેસી નેતાઓ પણ કટોકટીથી નાખુશ હતાં. વિવિધ વિચારધારાઓ ધરાવતા આ નેતાઓથી અમે પ્રભાવિત થયા. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ધીરૂભાઇ દેસાઇ, માનવતાવાદી શ્રી સી.ટી. દરૂ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ શ્રી બાબુભાઇ જસભાઇ પટેલ અને શ્રી ચિમનભાઇ પટેલ તથા અગ્રગણ્ય મુસ્લિમ નેતા સ્વ. શ્રી હબીબ-ઉર-રહેમાન જેવા મહાનુભાવો પાસેથી મને ઘણું શીખવા મળ્યું જે બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનુ છું. સ્વ. શ્રી મોરારજીભાઇ દેસાઇ કે જેમણે અડગ રહીને કોંગ્રેસના એકહથ્થુ સત્તાવાદનો પ્રતિકાર કર્યો અને પક્ષ સુધ્ધા છોડી દીધો, તેમનો સંઘર્ષ અને નિર્ધાર મારી આંખ સામે તરી આવે છે.

એક વિશાળ હિતને ખાતર વિવિધ વિચારધારાઓનો જાણે કે જીવંત સંગમ થઈ રહ્યો હતો. નાત-જાત, ધર્મ-સંપ્રદાયનાં ભેદથી ઉપર ઉઠીને અમે સૌ દેશનાં લોકશાહી મુલ્યોને જાળવવાનાં સમાન ધ્યેય માટે કામ કરી રહ્યા હતા. ડીસેમ્બર ૧૯૭૫ માં અમે વિરોધપક્ષનાં તમામ સંસદસભ્યોની એક અત્યંત મહત્વની બેઠક ગાંધીનગર ખાતે યોજી હતી. આ બેઠકમાં સ્વર્ગસ્થ શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી ઉમાશંકર જોષી અને શ્રી કૃષ્ણકાંત જેવા સંસદસભ્યો પણ ઉપસ્થિત હતા.

વિવિધ સંસ્થાઓ અને પક્ષનાં લોકો જેમણે કદાચ એકબીજાને પહેલા જોયા પણ નહિ હોય તેઓ દેશહિતનાં એક વિચારને લઈને એકબીજાની નજીક આવ્યા હતા. જેમકે આ એક ઉદ્દેશ્યને લઈને બીએમએસ ડાબેરી મજુર સંગઠનો સાથે કામ કરી રહ્યું હતુ. અમને જુદા-જુદા પક્ષોનાં વિદ્યાર્થી સંગઠનો સાથે નજીકથી કામ કરવા મળ્યુ. આ વિદ્યાર્થી સંગઠનો શાળા-યુનિવર્સિટીમાં કદાચ એકબીજા સાથે રાજકિય રીતે ઝઘડતા હશે પણ જ્યારે દેશની લોકશાહીને બચાવવાની વાત આવી ત્યારે તેઓ સૌ એક થઈ ગયા હતા. કેટલીય સંસ્થાઓ અને લોકો એ જ આર.એસ.એસ.ની સાથે મળીને કામ કરી રહ્યા હતા જેને અગાઉ વર્ષોમાં ઘણા લોકો રાજકીય રીતે અસ્પૃષ્ય માનતા હતા. જાણે કે ૧૯૭૪નાં ગુજરાતનાં નવનિર્માણ આંદોલન અને બિહારનાં જેપી આંદોલન વખતનો જોશ રાષ્ટ્રિય સ્તર ઉપર ફરી જીવંત થઈ રહ્યો હતો.

કટોકટીનાં કારણે વિવિધ રાજકીય સંસ્થાઓ અને નેતાઓ ઉપરાંત બિનસરકારી સામાજિક સંસ્થાઓ સાથે જોડાવાનો અવસર પણ મને મળ્યો. આ બધા દેશમાં જે કાંઈ ચાલી રહ્યુ હતુ તેનાથી વ્યથિત હતા. ગાંધીવાદી લોકો અને સર્વોદય આંદોલન સાથે સંકળાયેલ લોકો સાથેનો મારો અનુભવ ઘણો ઉપયોગી રહ્યો. આવા જ એક ગાંધીવાદી શ્રી પ્રભુદાસ પટવારીનાં ઘેર જુલાઈ ૧૯૭૫ ની એક સાંજે શ્રી જ્યોર્જ ફર્નાન્ડિસને મળવાને તક મને મળી હતી. મને બરાબર યાદ છે જ્યોર્જ સાહેબ પીળા રંગની ફિયાટમાં આવ્યા હતા, તેમણે દાઢી રાખી હતી અને પોતાના ટ્રેડમાર્ક સમો ઈસ્ત્રી વિનાનો કુર્તો પહેર્યો હતો તથા લીલા કપડાથી માથું ઢાંક્યુ હતુ. તેમનો ભેટો શ્રી નાનાજી દેશમુખ સાથે કરાવવાનો અવસર મને મળ્યો હતો. આ બે એવા માણસો હતા જે તત્કાલિન વડાપ્રધાનને ભયથી ધ્રુજાવી દેવાની ત્રેવડ રાખતા હતા.

જ્યારે હું પાછો ફરીને કટોકટીનાં એ સમય સામે જોઉં છું ત્યારે સરમુખત્યારશાહી રાજકારણને ૧૯૭૭ માં ઉગતાની સાથે જ ફગાવી દેનાર ભારતનાં લોકોની દુરંદેશીને સલામ કર્યા વિના રહી શકતો નથી. પ્રિન્ટ મીડિયા અને રેડિયોને સેન્સર કરવામાં આવતા અને માત્ર સરકાર તરફી બાબતો જ રજુ કરી શકાતી છતાં પણ લોકોમાં આવો જુવાળ ઉભો થયો હતો. ઈલેક્ટ્રોનિક મીડિયા હજી ભાખોડિયા ભરી રહ્યું હતું અને સોશિયલ મીડિયા તો હતુ જ નહિ. મને જોકે વિચાર થાય છે કે સોશિયલ મીડિયા એ જમાનામાં પણ હોત તો શું વડાપ્રધાન કટોકટી લાદી શકત? શું કટોકટી આટલા સમય માટે ટકી શકી હોત?

અહીં મારું પુસ્તક ‘આપાતકાલ મે ગુજરાત' મુકી રહ્યો છું જેમાં મેં કટોકટીકાળનાં મારા સ્મરણો લખ્યા છે. ખાસ કરીને પાના નં ૨૦૦ વાંચજો, જ્યાં જુદી-જુદી રાજકીય સંસ્થાઓએ એકબીજાની નજીક આવીને પરસ્પર વધુ સારી સમજ કેવી રીતે કેળવી તે અંગે વાત કરી છે. તેનો એક અંશ અહીં ટાંકી રહ્યો છું:

modi
"જુદી-જુદી રાજકીય સંસ્થાઓ વચ્ચે એક ખાઈ બનેલી હતી. આ ખાઈ મુખ્યત્વે અલગ-અલગ વિચારધારાઓ અને આકસ્મિક તફાવતોને કારણે તથા એકબીજાનાં ઉદ્દેશ્યોને નકારવાને કારણે પેદા થઈ હતી. "જો તમે મારી સાથે નથી તો મારી વિરોધમાં છો" એવી માનસિકતાને કારણે પણ આવી ખાઈ ગહેરી બનતી હતી. પણ સંજોગોએ આ સંસ્થાઓને રાજકીય મતભેદોથી ઉપર ઉઠીને એકબીજા અંગેની સમજ વધુ ગહેરી બનાવવાનો અવસર આપ્યો."

મારા ઘણા યુવામિત્રો એવા હશે જેમનો જનમ પણ એ વખતે નહિ થયો હોય. તેમને હું વિશેષ કરીને કહીશ કે તેઓ આ પુસ્તક પર નજર નાંખે, તેનાથી આજે જેને જનસામર્થ્યનાં એક મહાન વિજય તરીકે યાદ કરવામાં આવે છે તે ઘટના અને તેના ઐતિહાસિક સંદર્ભ અંગેની તમારી સમજ વધુ વિસ્તીર્ણ થશે.
- નરેન્દ્ર મોદી

English summary
Gujarat chief minister Narendra Modi has described his experience of Emergency in 1975 on his blog.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X