For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હું પોતાને ગુજરાતીઓનો ગુનેગાર ગણુ છું’

|
Google Oneindia Gujarati News

સને 1947ના ઑગસ્ટ માસની 15મી તારીખે લાલ કિલ્લે ભારતીય ત્રિરંગો ફરકાવનાર પંડિત જવાહરલાલ નહેરૂ માટે વડાપ્રધાન પદ કોઈ કાંટાળા તાજ કરતાં ઓછું નહોતું. ચારેબાજુ અરાજકતા હતી. કોમી રમખાણો ભડકે બળતા હતાં. ભાગલાની જ્વાળાઓમાં આખો દેશ બળી રહ્યો હતો. ભારે મશક્કત બાદ દેશની ગાડી થોડીક સરખી ચાલવા લાગી હતી, પરંતુ પ્રશ્નો ઓછા થયા નહોતાં. તેમાંનો એક પ્રશ્ન હતો પૃથક ગુજરાતનો. સંસદમાં દ્વિભાષી મુંબઈ રાજ્યનો ઠરાવ પસાર થતાં મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોમાં નહેરૂ તેમજ કોંગ્રેસ પ્રત્યે થોડોક રોષ હતો.

લગભગ ચાર વર્ષ ચાલેલાં મહાગુજરાત આંદોલન દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ ત્રણ વખત ગુજરાત આવ્યાં. મુંબઈ અંગે થઈ રહેલી માથાકૂટના કારણે નહેરૂએ એક બાજુ મહારાષ્ટ્રવાસીઓનો વિરોધ ઝીલવો પડ્યો, તો બીજી બાજુ અમદાવાદ અને વડોદરામાં ગુજરાતીઓએ તેમની સભાઓની સમાનાંતર સભાઓ કરી વિરોધ વ્યક્ત કર્યો. બંને જ રાજ્યો લોકસભા દ્વારા પસાર કરાયેલ દ્વિભાષી મુંબઈ રાજ્ય બિલનો વિરોધ કરી રહ્યા હતાં. પંડિત નહેરૂએ દરેક વખતે નારાજ લોકોને એમ કહી મનાવવાનો પ્રયત્ન કર્યો કે લોકશાહીની ઉપર કોઈ નથી.

When, Nehru Regrette, Gujarati People

દરમિયાન મહાગુજરાત આંદોલન સફળ થયું અને સને 1959 સુધીમાં પૃથક ગુજરાતનો રસ્તો ખુલી ગયો હતો. જોકે ગુજરાતની સ્થાપના થઈ નહોતી. આ દરમિયાન નહેરૂ 28મી નવેમ્બર, 1959ના રોજ અમદાવાદ આવ્યાં. નેહરૂ જાણીતાં કવિ નાનાલાલ મુંશીના પુસ્તક હરિ સંહિતાનું લોકાર્પણ કરવા આવ્યા હતાં. તે દિવસે કાંકરિયા ખાતે આવેલ ફુટબૉલ ગ્રાઉન્ડમાં નેહરૂની જાહેર સભા યોજાઈ. તેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતનાં લોકો સમક્ષ નહેરૂએ પોતાને ગુનેગાર તરીકે સ્વીકાર્યો. મહાગુજરાત આંદોલન દરમિયાન થયેલા હિંસા બદલ નહેરૂએ પોતાને ગુનેગાર કહ્યો.

નહેરૂએ જણાવ્યું, ‘બે-ત્રણ માસથી દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનની ચર્ચા થઈ રહી છે. હું તો એટલું જ ઇચ્છું છં કે બંને વિસ્તારોની પ્રજા શાંતિથી રહે. આખરે મને લાગ્યું કે તમામને રુચે, તેવો રસ્તો કાઢવો જોઇએ. તેથી અમે પાંચ લોકો મળ્યાં. તેમાં મારા ઉપરાંત ગોવિંદ વલ્લભ પંત, મોરારજીભાઈ દેસાઈ, ઉચ્છંગરાય ઢેબર અને યશવંતરાવ ચવ્હાણનો સમાવેશ થાય છે. અમે નક્કી કર્યું કે દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન પાકું છે અને ગુજરાતના લોકોને તેમનું રાજ્ય મળવું જ જોઇએ.' વડાપ્રધાને જણાવ્યું, ‘મહાગુજરાત આંદોલન દરમિયાન પોલીસ ગોળીબાર સહિત જેટલી પણ હિંસા થઈ છે, તેના માટે હું પોતાને ગુજરાતીઓનો ગુનેગાર ગણુ છું અને સાથે જ માફી માંગું છું.' નહેરૂએ જે વિનમ્રતા તથા મધુરતા સાથે આ વાત કહી, તે લોકોના મગજ ઉપર અસર કરી ગઈ. લોકો દ્રવી ઉઠ્યાં અને તેમના મનમાં નહેરૂ પ્રત્યે ધરબાયેલી ગુજરાત વિરોધી છબી મટી ગઈ. નહેરૂના પ્રવચનમાં સાચા લોકશાહીવાદી વ્યક્તિત્વનું સ્વરૂપ ઝળકી ઉઠ્યું.

નહેરૂ મહાગુજરાત આંદોલન દરમિયાન આ અગાઉ પણ બે વાર ગુજરાત આવ્યા હતાં. પ્રથમ વાર તેઓ 2જી ઑક્ટોબર, 1956ના રોજ ગાંધી જયંતીએ અમદાવાત આવ્યા હતાં. દ્વિભાષી મુંબઈ રાજ્યના ઠરાવ વિરુદ્ધ આંદોલનરત મહાગુજરાત જનતા પરિષદનું વલણ ખૂબ ઉગ્ર હતું. પરિષદે નહેરૂની સભાને સમાનાંતર કાર્યક્રમ કર્યું. નહેરૂની સભા લાલદરવાજા મેદાને યોજાઈ. પંડિત નહેરૂએ જણાવ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ એમ ત્રણે અલગ થાય, તે સારૂં નહિં હશે, પરંતુ હું શું કરું? મહારાષ્ટ્રના લોકોને એવો વિચાર મુક્યો અને હું સંમત થઈ ગયો. તેનો મને અફસોસ પણ છે. તે જ દિવસે કોંગ્રેસ તરફથી યોજાયેલ વિદ્યાર્થી સભાને સંબોધતાં જવાહરલાલ નહેરૂએ જણાવ્યું કે ગુજરાતના યુવાવર્ગમાં પૃથક ગુજરાત માટે જે જોશ છે, તે જોઈ હું હર્ષિત છું, પરંતુ લોકસભાના નિર્ણયને માનવા હું પોતે પણ બાધ્ય છું.

તેમણે પોતાના સ્વભાવ મુજબ પ્રેમપૂર્વક સમજાવ્યું કે નિર્ણય બદલી શકાય છે, પરંતુ પાંચ વરસ રાહ જોવી પડશે. લોકોનો રોષ પોતાની પ્રેમાળ વાળી દ્વારા શાંત પાડતાં નહેરૂએ વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓએ મહાગુજરાતના નારા સાથે જયહિન્દનો નારો ભૂલવો જોઇએ નહિં. આ પછી પંડિત નહેરૂએ કોંગ્રેસ કાર્યકારિણીની બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતની પ્રજા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચેનો સમ્પર્ક તૂટી ગયો છે. દ્વિભાષી રાજ્યના ઠરાવે ગુજરાતની પ્રજામાં કોંગ્રેસની છબી ખરાબ કરી છે. હું નથી ઇચ્છતો કે કોંગ્રેસના સાંસદો આંખ બંધ કરી મારું અનુસરણ કરે. કાર્યકરોએ પ્રજાના શત્રુ નહિં, મિત્ર બની રહેવું પડશે.

આ પછી વડાપ્રધાન 8મી નવેમ્બર, 1958ના રોજ વડોદરા આવ્યાં. મહાગુજરાત જનતા પરિષદે ફરી એક વાર સમાનાંતર સભા કરી. નહેરૂની સભામાં અપેક્ષા કરતાં ઓછા લોકો પહોંચ્યાં, જ્યારે પરિષદની સભામાં આખું ગુજરાત ઉમટી પડ્યું. સમાનાંતર સભાની વાતથી નહેરૂ ખિજાઈ ગયાં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોઈ પણ નિર્ણય લોકશાહી ઢબે જ થશે. પરાણે નહિં જ થાય.

આખરે કેન્દ્ર સરકારે મુંબઈ રાજ્યના વિભાજનને મંજૂરી આપી અને અલગ ગુજરાત તથા મહારાષ્ટ્રની રચનાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. પૃથક ગુજરાતની સ્થાપનાથી છ માસ અગાઉ 28મી નવેમ્બર, 1959ના રોજ નહેરૂ અમદાવાદ આવ્યાં અને તેમણે મહાગુજરાત આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારમાં શહીદ થયેલા લોકો પ્રત્યે માત્ર સંવેદના જ વ્યક્ત નહિં કરી, પણ તેના માટે પોતાને ગુનેગાર સ્વીકાર્યો.

English summary
First Prime Minister Jawahar Lal Nehru regretted to Gujarati people for violence in Mahagujarat movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X