હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાથી કોણ ફાયદામાં રહેશે?
હાર્દિક પટેલ યુવા રાજકારણી હોવાના કારણે જુસ્સો અને યુવા મિજાજમાં તડફડની નીતિમાં માને છે અને રાજકીય મુત્સદ્દીગીરીનો અભાવ ધરાવે છે.
ગુજરાતમાં ઉભા થયેલા પાટીદાર અનામત આંદોલન બાદ રાજ્યમાં ત્રણ નવા યુવા ચહેરા ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઓબીસી નેતા તરીકે અલ્પેશ ઠાકોર અને દલિત નેતૃત્વ તરીકે જિગ્નેશ મેવાણી. આ ત્રણે યુવાનોએ સત્તા પક્ષ ભાજપ સામે પોતાનો અવાજ ઉઠાવી જન સમર્થન હાંસલ કર્યુ અને સરકાર સામે મોરચો પણ સંભાળ્યો. આ કારણે અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બનીને વિધાનસભામાં પહોચવામા સફળ પણ રહ્યા. જ્યારે, હાર્દિક પટેલ કાયદાકીય બંધનોના કારણે ચૂંટણી લડી શક્યા નહીં. આ હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનવામાં અને કેટલાય નેતાઓને ટિકિટ અપાવવામાં સફળ જરુર થયા હતા.
હવે, હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો છે અને તેમણે કેસરીયો ધારણ કરી લીધો છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેમણે ગુજરાતના શીર્ષ નેતૃત્વની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો છે. હાર્દિક સત્તા સામે ઉભા થયેલા આંદોલનથી ઉભરી આવેલો ચહેરો છે. આવેશ કે સરકાર વિરોધી વલણ ધરાવતાં લોકોનો અવાજ બનીને તે સ્પોન્ટેનિયસ નેતા તરીકે ઉભરી આવેલ છે. પોતાની પાસે કેડર બેઝ કાર્યકર્તા કે સ્વ્યં સમર્થકોની ફોજ નથી. આ કારણે, તે સત્તા વિરોધી અવાજ કરવામાં સફળ રહી શક્યા પરંતું, સત્તાના સમર્થનમાં ઉભા રહી હવે સરકારની નીતિઓનું સમર્થન કરવામાં તેમને ભારે સફળતા મળે તેવી સંભાવના ઓછી છે.

હાર્દિક પટેલ યુવા રાજકારણી હોવાના કારણે જુસ્સો અને યુવા મિજાજમાં તડફડની નીતિમાં માને છે અને રાજકીય મુત્સદ્દીગીરીનો અભાવ ધરાવે છે. આ કારણે કોંગ્રેસમાં પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે અસફળ હાર્દિક પટેલ ભાજપમાં મર્યાદિત અધિકાર ધરાવી એક કાર્યકર્તા તરીકે તેને વિશાળ પ્લેટફોર્મ મળવું મુશ્કેલ છે.
ભાજપ હાર્દિક પટેલની રાજકીય સ્કીલનો ઉપયોગ કરવા ટિકિટ આપી શકે છે. પરંતું, પ્રદેશના નેતા તરીકે તેને પ્લેટફોર્મ મળવાની સંભાવના નહિવત્ છે. ત્યારે, હાર્દિક પટેલ મતબેંકમાં પણ મોટો ફેરફાર કરી શકે તેવી શક્યતા ઓછી છે. તો, હાર્દિક પટેલનો ભાજપમાં પ્રવેશ હાલમાં ભાજપ માટે તો નહી નફો નહી નુકસાન જેવો છે. પરંતું, હાર્દિક પટેલની સ્થિતિ “નહીં ઘરના નહીં ઘાટના” જેવી થઇ શકે છે.












Click it and Unblock the Notifications
