સંઘ-વિહિપ કોને પસંદ કરશે : ભવ્ય ભૂત કે ભાવિને?

2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદે આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ વિકાસની યશગાથા લખી. પોતાના 11 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે ગુજરાતમાં વિકાસના એવા પાયા નાંખ્યા કે વિશ્વએ તેની નોંધ લેવી પડી. તો બીજી તરફ તેમના પર ભાજપ પક્ષના જૂના જોગીઓ અને સાથીઓને હાંસિયામાં ધકેલી દેવના આરોપો પણ લાગ્યા છે. કેશુભાઇ પટેલે ગુજરાતમાં મોદીના વધેલા કદ સામે બળવો પોકાર્યો અને મોદીની સરખામણી હિટ્લર સાથે કરી તેમને સત્તા પરથી દૂર કરવા આહવાન કર્યું. વિરોધ વકર્યો અને કેશુભાઇ પટેલે ભાજપ સાથે છેડો ફાડી પોતાની અલગ પાર્ટીની રચના કરી. જેમ-જેમ ચૂંટણી નજીક આવતા કેશુભાઇ પટેલ ખુલ્લે આમ મોદી સામે વિરોધ નોંધાવી રહ્યાં છે અને તેમને ઉખાડી ફેંકવા માટે લોકોને આહવાન કરી રહ્યાં છે.
વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી વિકાસને મહત્વ આપી રહ્યાં છે અને રાજ્યના મોટા પક્ષ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરી રહ્યાં છે, પરંતુ પોતાના જ એક સમયના સાથીઓ દ્વારા ઉભો કરવામાં આવી રહેલા વિરોધના વંટોળથી તેઓ ચિંતિત પણ છે અને એ જ કારણે મોદીએ ગત રવિવારે 21 ઑક્ટોબરના રોજ સંઘના વડા મોહન ભાગવત સાથે બંધ બારણે ત્રણ કલાક સુધી બેઠક કરી. નરેન્દ્ર મોદીએ મોહન ભાગવતને રાજ્યની રાજકીય પરિસ્થિતી અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં યોજેલી વિવેકાનંદ યાત્રાની માહિતી આપી હતી. જો કે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની મુલાકાત રાજકીય ન હતી.
સૂત્રો દ્વારા વહેતી થયેલી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીની સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે એવા સમયે મુલાકાત સંપૂર્ણતઃ રાજકીય હતી. મોદી ગુજરાતમાં તેમના જૂના જોગીઓ દ્વારા જે વિરોધ વાયરા ફૂંકવામાં આવી રહ્યાં છે તે અંગે ગહન ચર્ચા કરી છે. જેમાં મોદીને બધાને સાથે રાખીને ચલાવા માટે સંઘના વડા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.
બીજી તરફ તાજેતરમાં ભાજપમાંથી છૂટા પડીને નવા પક્ષની રચના કરનાર કેશુભાઇ પટેલે સુરતમાં યોજેલી એક રેલી દરમિયાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને સંઘની યાદ ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણીઓ આવે છે. નરેન્દ્ર મોદીની સ્થિતી એકદમ ખરાબ થઇ ગઇ છે માટે તે મોહન ભાગવતને મળવા ગયા છે. જો કે, મોદીની આ મુલાકાતને હજુ સમય વિત્યો જ નહોતો ત્યાં કેશુભાઇ પટેલે મંગળવારે અચાનક અમદાવાદ સ્થિત રાજ્યના સંઘ કાર્યાલય અને વિહીપ કાર્યલય ખાતે દિગ્ગજ લોકો સાથે બેઠક ગોઠવી અને મોદીને સત્તા પરથી દૂર કરવા માટે મદદ કરવા અપીલ કરી છે.
રાજ્યમાં સંઘ અને વિહિપ બન્નેમાં મોદીને લઇને ખટાશ છે. કદ વધતા મોદીએ સંઘ અને વિહીપને હાંસિયામાં ધકેલી દીધું છે. એ વાત જગ જાહેર છે અને કેશુભાઇ પટેલ તેનો લાભ લેવા મથી રહ્યાં છે. કેશુભાઇ પટેલે વિહિપ કાર્યાલયે મોદી સરકારની હિન્દુ વિરોધી નીતિની આકરી ટીકા કરી ચૂંટણીમાં મદદ કરવા અપીલ કરી છે. વીએચપી કાર્યાલય ખાતે હોદ્દેદારો સાથે વાતચીત કરતા કેશુભાઇએ મોદી સરકારમાં તોડી પડાતા મંદિરો, ગૌહત્યા અને સાઘુ સંતોની હત્યા સહિતના મુદ્દાઓ પર ગહન ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આ સરકારમાં આપણને ક્યાંય પણ આપણી સરકાર જેવી લાગણીનો અનુભવ થતો નથી.
પ્રવિણ તોગડિયા સાથેના વિખવાદના કારણે બની શકે છે કે વિહિપ દ્વારા આ વખતની ચૂંટણીમાં કેશુભાઇને મદદ કરવામાં આવે, પરંતુ આંતરિક વર્તૂળોનું એવું માનવું છે કે સંઘ કેશુભાઇ પટેલ કરતા વધારે મહત્વ એક સમયના તેમના પ્રચારક અને હાલના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આપશે, આમ વિચારવા પાછળનું પણ એક કારણ છે કે મોદીની હિન્દુત્વવાદી છાપ, ભાજપમાં મોદીનું કદ દિવસેને દિવસે વધી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી યાત્રા આજે એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી છે અને તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર પણ માનવામાં આવી રહ્યાં છે, ત્યારે મોદીના ભવિષ્ય અંગે સમિક્ષા કરતા સંઘ કેશુભાઇના બદલે મોદી તરફ ઢળવાનું વધું પસંદ કરે તેવી વકી છે.












Click it and Unblock the Notifications
