ગુજરાતમાં મહિલાઓ રાતના પણ મુક્ત રીતે હરી ફરી શકે છે : ભૂપેન્દ્ર પટેલ
રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષાને લઇને મહિલાઓ રાતના સમયે પણ મુક્ત મને હરીફરી શકે છે. મહિલાઓ અને બાળકો માટે સરકારની વિશેષ જવાબદારી છે. તેમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદારા ખાતે જણાવ્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ દિવસથી જ દેશ અને દુનિયાને બતાવી દીધું છે કે, દ્રઢ નિર્ણય શક્તિ અને સૌને સાથે લઇ વિકાસની ગતિ કેમ બમણી કરી શકાય. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસ તરફ વધુ તેજ ગતિથી આગળ વધે તેવો અમારી ટીમનો પ્રયાસ છે.
વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત ઝોનના સાત જિલ્લાઓ અને વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૪૧૬ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિયુક્તિપત્રો એનાયત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં ૭૦૦૦ જેટલા આંગણવાડી કાર્યકર અને તેડાગરોની ભરતી ફકત બે માસના ટૂંકાગાળામાં ઓનલાઇન પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે.આંગણવાડી કાર્યકર અને તેડાગરોને નિમણૂંક પત્રો આપવાનો મુખ્યમંત્રીએ વડોદરાથી પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન છે, તેમ કહેતા ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વિકાસનું ગ્રોથ એન્જીન ત્યારે જ કહી શકાય કે વિકાસના ફળ છેવાડના માનવી સુધી પહોંચે અને વંચિત વર્ગ પણ તેની અનુભૂતિ કરે. તેથી સૌના વિકાસ માટે આ સરકાર સતત ઉદ્દમશીલ છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ગુજરાતના વિકાસના પાયામાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબત રહેલી છે. રાજ્યના તમામ બાળકો સુશિક્ષિત બને તે માટે આંગણવાડીથી લઇ ઉચ્ચ શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું સુદ્રઢ માળખું ઉભું કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળકોનું પ્રાથમિક શિક્ષણથી જ સ્થાયીકરણ થાય એ માટે રાજ્ય સરકારના પ્રયત્નોને પરિણામરૂપ આજે ડ્રોપઆઉટ રેશિયો નજીવો રહ્યો છે.
કોરોના મહામારીમાં થયેલા સેવાયજ્ઞની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, એ કપરા કાળમાં દુનિયાના વિકસિત દેશોએ પોતાના નાગરિકોની પરવાહ કરી નહોતી. તેની સાપેક્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતની ૧૩૦ કરોડની જનતાના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે નિઃશુલ્ક રસીકરણ કરવામાં આવતા કોરોનામાંથી દેશને ઉગાર્યો છે. દેશનો એક ગરીબ પરિવાર આ મહામારીના કારણે ભૂખ્યો ના સુવે તેની ચિંતા કરીને તમામ ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપી તેમની ખેવના કરી છે.
દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના એવી આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશના જરૂરતમંદ તમામ પરિવારોને રૂ. ૫ લાખનું આરોગ્ય સુરક્ષા કવચ વડાપ્રધાનએ પૂરૂ પાડ્યું છે.
ગુજરાતમાં મહિલાઓ અભય છે, સુરક્ષિત છે, તેવું સ્પષ્ટપણે કહેતા પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં મધરાતે પણ મહિલા બહાર નીકળી કોઇ પણ ગભરાટ વિના ફરી શકે છે. રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે ઉચિત પ્રબંધ કર્યો છે.
મહિલા અને બાળ કલ્યાણ વિભાગને બિરદાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, માત્ર ખૂબ જ ટૂંકાગાળામાં સાત હજાર જેટલી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકપત્રો આપી પારદર્શી અને કાર્યદક્ષતાનું કાર્ય કર્યું છે. આગામી એક સપ્તાહમાં પસંદ પામેલી બહેનોને નિયુક્તિપત્રો આપી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નિરાધાર, વૃદ્ધ, દિવ્યાંગો તેમજ મહિલાઓને જરૂરી તમામ લાભ આપી માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.