કંવાટ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ!
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કવાંટ ખાતે આયોજીત વિશ્વ આદિવાસી દિનની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીથી પ્રભાવિત આદિવાસી સમાજ વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યો છે.

આ પ્રસંગે મંત્રી જગદિશ વિશ્વકર્માએ સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી સરકારની યોજનાઓ અને આદિવાસી સમાજના કાર્યોથી માહિતગાર કર્યા હતા. પ્રધાનમંત્રી, કિસાન સન્માન નિધિ, ઉજજવલા યોજના, આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સહિત રાજય સરકારની અનેકવિધ વ્યક્તિલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી હતી. આ ઉપરાંત તેમણે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને તેમના રેવન્યુ રેકર્ડમાં રાઠવા, રાઠવાકોળી કે કોળી રાઠવા લખેલું હશે તો તેમને અનુસૂચિત જનજાતિના દાખલાઓ આપવામાં આવશે એવો ઠરાવ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન રાજયમંત્રી વિશ્વકર્માએ ઉપસ્થિત જનમેદનીની વચ્ચે જઇ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધતા તેમણે લાભાર્થીઓને કઇ યોજનાનો લાભ મળ્યો છે, તેમના જીવનમાં શું પરિવર્તન આવ્યું એવા સવાલો કરી આત્મિયતા કેળવી હતી.
કાર્યક્રમનો પ્રારંભ મંત્રી અને મહાનુભાવોએ આદિવાસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. હર ઘર તિરંગા કાર્યક્રમમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
