IMના 30 આતંકવાદીઓ ભારતમાં 100 બોમ્બ વિસ્ફોટ કરી શકે : ભટકલ
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : વર્તમાન સમયમાં દેશમાં 30 ખુંખાર ત્રાસવાદીઓ છુપાયા છે. જેઓ બોમ્બ ધડાકા કરવામાં માહેર છે. ભારતમાં 100 બોમ્બ ધડાકા થઇ શકે તેટલું વિસ્ફોટક ઠલવાઇ ગયું છે આવો સનસનીખેજ ધડાકો ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક યાસીન ભટકલે કર્યો છે.
તાજેતરમાં સુરક્ષા એજન્સીઓને હાથ લાગેલા ઇન્ડીયન મુઝાહીદીનના સ્થાપક યાસીન ભટકલે પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એનઆઇએના સુત્રોને ટાંકી અહેવાલ આપવામાં આવ્યો છે કે, યાસીન ભટકલે ખુલાસો કર્યો છે કે બોમ્બ ધડાકા કરી શકે તેવા 30 ત્રાસવાદીઓ દેશના અલગ-અલગ ભાગોમાં છુપાયા છે. આ 30 ત્રાસવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવી છે. અમારી પાસે 100 બોમ્બ ધડાકા કરી શકાય તેટલું વિસ્ફોટક છે. છુપાયેલા 30 ત્રાસવાદીઓ પોતાને આદેશ મળે તેની રાહ જોઇ રહયા છે.

ઇન્ડીયન મુઝાહીદીનના ટોચના ત્રાસવાદી યાસીન ભટકલે વધુમાં એવો ખુલાસો કર્યો છે કે, ભારતમાં બોમ્બ ધડાકા કરવા માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇએ 'પ્રોજેકટ કરાંચી' ઘડયો છે. જે હજુ પણ કાર્યરત છે. આઇએસઆઇએ ભારતમાં અશાંતિ ફેલાવવા માટે દેશના અલગ-અલગ ભાગોમાં બોમ્બ ધડાકા કરવાનો કારસો રચ્યો છે. જેમાં ઇન્ડીયન મુઝાહીદીનના રિયાઝ ભટકલ તથા ઇકબાલ ભટકલ સહિતના ત્રાસવાદીઓને સામેલ કર્યા છે.
યાસીન ભટકલના આવા ખુલાસાથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. યાસીન ભટકલની ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ તેને મહત્વની સફળતા માની રહી છે. જો કે, ઇન્ડીયન મુઝાહીદીન હજુ પણ દેશ માટે ખતરારૂપ છે. યાસીન ભટકલે પોતાની ધરપકડ બાદ જયારે તેને મીડીયા સમક્ષ રજુ કરાયો ત્યારે પોતાના બંન્ને હાથોથી ભેદી ઇશારા કર્યા હતા. જેને ઉકેલવા માટે સુરક્ષા એજન્સીઓ કમર કસી રહી છે.
યાસીન ભટકલ ઇશારાથી પોતાના સાગરીતોને કોઇ સંકેત આપી રહયો હતો તેવું મનાય છે. પુછપરછમાં તેણે 30 ત્રાસવાદીઓ દેશમાં અલગ-અલગ સ્થળોએ છુપાયા હોવાનું તથા જંગી માત્રામાં વિસ્ફોટક ઠાલવ્યું હોવાનું જણાવ્યું છે. જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
