
એકલી મમતા સામે ભાજપના 80 નેતા મૈદાનમાં ઉતર્યા!
બંગાળની ભવાનીપુર બેઠક પર 30 સપ્ટેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે પ્રચાર આજે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. જો કે, છેલ્લા દિવસે પણ ભાજપ અને ટીએમસી બંને પક્ષ કોઈ કસર છોડવાના મૂડમાં નથી. ભવાનીપુરની શેરીઓમાં આજે ભાજપના 80 નેતાઓ પ્રિયંકા તિબ્રેવાલના સમર્થનમાં ઉતર્યા છે. TMC ના ઘણા નેતાઓ પણ મમતા બેનર્જી માટે મત માંગી રહ્યા છે.
ખરાબ હવામાનની સંભાવના હોવા છતાં બંને રાજકીય પક્ષોના કાર્યક્રમો ચાલુ છે. ચક્રવાત ગુલાબ સીધું કોલકાતા સાથે ટકરાઈ નથી રહ્યું પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
ટીએમસી અને ભાજપના નેતાઓના મતે ભવાનીપુરમાં 20 ટકાથી વધુ વસ્તી મુસ્લિમ છે. બીજી તરફ શીખ અને બિન-બાંગ્લા ભાષી હિન્દુઓની સંખ્યા લગભગ 34 ટકા છે. આ વિધાનસભા ક્ષેત્રમાં કુલ 2 લાખ 6 હજાર 389 મતદારો છે.
ભાજપે રવિવારે રાત્રે કહ્યું કે, તેમના 10 નેતાઓ સોમવારે આ વિધાનસભા ક્ષેત્રના દરેક વોર્ડની મુલાકાત લેશે. ભાજપે તેના છેલ્લા દિવસના ચૂંટણી પ્રચારનો પ્રથમ તબક્કો સવારે 8 વાગ્યે શરૂ કરશે અને 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. પાર્ટીના 80 નેતાઓ આખા દિવસમાં 80 જગ્યાએ પહોંચશે.
બંગાળ ભાજપના વડા સુકાંતા મજુમદાર અને દિલીપ ઘોષ સવારે મતદારોને સંબોધિત કરશે. આ પછી તે સાંજે દિલ્હી પહોંચશે અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડાને મળશે. આ સિવાય વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી, કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી સુભાષ સરકાર, રાહુલ સિંહા, સાંસદ અર્જુન સિંહ અને ભાજપ રાજ્ય મહિલા મોરચાના પ્રમુખ અગ્નિમિત્ર પોલ સામેલ છે, જે આજે ભવાનીપુરમાં પોતાની પૂરી તાકાત લગાવી રહ્યા છે.
TMC વતી મમતા બેનર્જી પોતે પણ મૈદાનમાં ઉતરી છે. મમતા સિવાય અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ તેમના સમર્થનમાં મૈદાનમાં છે. પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ રવિવારે એક બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, પાર્ટીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે મમતા બેનર્જી ઓછામાં ઓછા એક લાખ મતથી જીતે.
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે ભવાનીપુરથી પોતાનો ઉમેદવાર નથી ઉતર્યો. બીજી તરફ CPIM એ શ્રીજીબ બિસ્વાસને મેદાનમાં ઉતાર્યા છે. આ વર્ષે યોજાયેલી બંગાળની ચૂંટણીમાં શોભનદેબ ચટ્ટોપાધ્યાય આ બેઠક પરથી જીત્યા હતા પરંતુ બાદમાં મમતા બેનર્જી માટે બેઠક ખાલી કરી દીધી હતી. મમતા બેનર્જીને નંદીગ્રામમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા. તેથી જ હવે મમતા બેનર્જી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડી રહ્યા છે.