ગુજરાત બાદ હવે બંગાળ તરફ આમ આદમી પાર્ટી, જિલ્લા સ્તરે સંગઠન મજબુત કરશે
રાષ્ટ્રિય પાર્ટી બનેલી આમ આદમી પાર્ટી હવે મમતા બેનર્જીને ટક્કર આપવાની યોજના બનાવી રહી છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ પુરી થઈ ગઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 5 સીટ જીતવામાં સફળ થઈ છે તો હિમાચલ પ્રદેશમાં હજુ ખાતુ ખુલ્યુ નથી. ગુજરાતમાં 13 ટકા વોટ શેર સાથે આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. રાષ્ટ્રીય પાર્ટી બનતા જ હવે આમ આદમી પાર્ટીએ અન્ય રાજ્યો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યુ છે. અહેવાલો છે કે હવે આમ આદમી પાર્ટી પશ્ચિમ બંગાળમાં સંગઠન મજબુત કરવા જઈ રહી છે.

દિલ્હી, પંજાબ, ગોવા અને ગુજરાત બાદ હવે આમ આદમી પાર્ટી પશ્ચિમ બંગાળ તરફ આગળ વધવા માટે રણનીતિ બનાવી રહી છે. હાલમાં જ આમ આદમી પાર્ટી દ્વારા જારી એક પ્રેસનોટ અનુસાર, ગુજરાત ચૂંટણીના પરિણામો સાથે જ જનતાના સમર્થનથી આમ આદમી પાર્ટી ને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. માત્ર 10 વર્ષમાં માત્ર જનતાના આશીર્વાદથી જ રાષ્ટ્રીય પક્ષ બની છે. આ માટે પાર્ટી ગુજરાત તેમજ સમગ્ર ભારતની જનતાનો આભાર વ્યક્ત કરે છે. તમામ પ્રતિકૂળ સંજોગોને માત આપીને આજે ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યા છીએ. હવે આમ આદમી પાર્ટીનું ટાર્ગેટ પશ્ચિમ બંગાળ છે. પાર્ટી પહેલા જ કહી ચુકી છે કે તે પંચાયતની ચૂંટણીમાં નહીં લડે. તેનાથી ઉલટું 2026ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પૂરા જોશ સાથે ચૂંટણી લડશે.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સુત્રો અનુસાર, હવે બંગાળમાં પાર્ટીને મજબુત કરાશે. આના માટે આગળ ઝડપી કામ થશે. આમ આદમી પાર્ટી પશ્ચિમ બંગાળમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જેવા બુનિયાદી મુદ્દાઓ સાથે કામ કરશે. બંગાળના તમામ જિલ્લાઓમાં આવનારા સમયમાં પાર્ટી આગળ વધશે અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે લડાઈ લડશે.
અહીં તમને જણાવી દઈએ કે, પાર્ટીના મેતા સંજય બસુએ પહેલા જ કહ્યું છે કે આગામી વર્ષે યોજાનારી પંચાયત ચૂંટણી લડવાની કોઈ યોજના નથી. તેઓ પંચાયત સ્તરે પોતાની પાર્ટીની હાજરી વધારવા માટે કામ કરી રહ્યા છે. ચૂંટણી લડવામાં હજુ સમય લાગશે. સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધતા સંજય બસુએ કહ્યું કે, અમે કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારની નિંદા કરીએ છીએ. અમારી લડાઈ ભ્રષ્ટાચાર સામે છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ કોલકાતામાં કાર્યાલય ખોલ્યું છે.












Click it and Unblock the Notifications
