નવી દિલ્હી, 1 જાન્યુઆરી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીને જોરદાર સફળતા, ભાજપના મિશન 2014ની હવા નીકાળી શકે છે. જાણકારોની માનીએ તો દેશની લગભગ 200 શહેરી બેઠકો પર આમ આદમી પાર્ટીની અસર પડી શકે છે. એટલે કે અત્યાર સુધી ભાજપા માટે સરળ માનવામાં આવી રહેલી બેઠકો પર 'આપ' મુશ્કેલીઓ પેદા કરી શકે છે. સૂત્રોની માનીએ તો આપના અંદાજથી ભાજપમાં ખલબલી મચેલી છે.
2014ની સામાન્ય ચૂંટણી બાદ દેશનું રાજકીય ચિત્ર કેવું હશે. કોને મળશે તાજ અને કોની પર પડશે ગાજ. કોંગ્રેસ વિધાન સભા ચૂંટણીઓમાં મળેલી હારથી નિરાશ છે. જોકે ભાજપ મોદી લહેરના ઉમળકાથી આનંદીત છે. પરંતુ દિલ્હીમાં આમ આદમી પાર્ટી એટલે કે 'આપ'એ ભાજપની થાળીમાંથી જે રીતે સત્તાનો કોળીઓ છીનવી લીધો છે તેનાથી પાર્ટી ભીંસમાં આવી ગઇ છે. અધુરામાં પૂરું હવે આપે લોકસભાની ચૂંટણી માટે પણ સજ્જ થઇ ગઇ છે.
રાજકીય વિશ્લેષકો અનુસાર આમ આદમી પાર્ટી દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિળનાડુ સહિત દોઢ દઢન રાજ્યોની લગભગ 200 શહેરી બેઠકો પર ભાજપનો ખેલ બગાડી શકે છે. બીજી આમ આદમી પાર્ટી 15 દિવસની અંદર લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી સૂચી બહાર પાડવાની તૈયારીમાં છે. લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે પાર્ટી હરિયાણાની સાથે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ પોતાના કાર્યક્રમ શરૂ કરવા જઇ રહી છે.
ભાજપ સૂત્રો અનુસાર આમ આદમી પાર્ટીની આ તૈયારીએ પાર્ટી નેતાઓની ચિંતા વધારી દીધી છે. પાર્ટીના કેટલાંક નેતાઓનું માનવું છે કે આપે સ્થાનીય ઇમાનદાર ચહેરા મેદાનમાં ઉતાર્યા તો તેઓ ભાજપની વોટ બેંકમાં જ મેખ મારશે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીમાં ભવિષ્યના નેતા જોઇ રહેલા શહેરી વિસ્તારના મધ્યમ વર્ગ અને ભણેલા-ગણેલા વોટર, આપના પક્ષમાં જઇ શકે છે. ભાજપની વિરુધ્ધ જે વોટર મજબૂરીમાં કોંગ્રેસને સમર્થન આપી રહ્યા હતા તે પણ આપની સાથે જઇ શકે છે.જોકે પર્દા પાછળની આ ખલબલીને ભાજપ જાહેર થવા દેવા નથી માગતી. ભાજપ નેતા કેમેરા પર જે કહે પરંતુ પાર્ટીની ટિકિટ વહેંચણીની રણનીતિ બગડી ચૂકી છે. ભ્રષ્ટાચાર વિરોધનો સૂત્રોચ્ચાર બુલંદ કરી રહેલી આપના ખતરાને ધ્યાનમાં લેતા હવે ભાજપ લોકસભા ચૂંટણીમાં ચોખી ઇમેજવાળા ઉમેદવાર શોધી રહી છે. અને આ કવાયતમાં ઘણા સાંસદોના પત્તા પણ કપાઇ શકે છે.