
પાકિસ્તાન સાથેની ક્રિકેટ સીરિઝ અંગે અમિત શાહનું મોટું નિવેદન
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ સ્પર્ધા રમાનાર હોય તો તેમને રોકી ન શકાય. સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બંન્ને દેશો વચ્ચે કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ રમાવાની સંભાવના નથી.
આ પહેલીવાર છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઇ મોટા નેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ અંગે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. ભાજપના અધ્યક્ષ અમિત શાહે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ અંગે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમો એકબીજા સામે મેચ રમતી રહેશે, પરંતુ બંન્ને દેશોની ટીમો વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ નહીં રમાય.
આ મામલે ગત મહિને જ ખેલ મંત્રી વિજય ગોયલે કહ્યું હતું કે, જ્યાં સુધી બોર્ડ પરની આંતકવાદી કામગીરી પર રોક લગાવવામાં નહીં આવે ત્યાં સુધી બંન્ને દેશો વચ્ચે ક્રિકેટ સીરિઝ નહીં રમાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2007 બાદ કોઇ દ્વિપક્ષીય ક્રિકેટ સીરિઝ નથી રમાઇ. વર્ષ 2012-13માં પાકિસ્તાને ભારતની મુલાકાત લીધી હતી, આ દરમિયાન 3 વનડે મેચ અને 2 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સીરિઝ ન રમાઇ હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંન્ને ટીમો રમતી રહી છે.