આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વાવાઝોડાનો ખતરો, હવામાન વિભાગે એલર્ટ જારી કર્યુ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી પરિભ્રમણના પગલે આંદામાન અને નિકોબાર ટાપુઓ માટે એક વિશેષ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.
હવામાનની આ સિસ્ટમ આજે મંગળવારથી વધુ મજબૂત થવાની સંભાવના છે, જેના કારણે પ્રદેશમાં ભારે વરસાદ અને તોફાની પવનની આગાહી કરવામાં આવી છે.

IMD ની આગાહી મુજબ, આંદામાન અને નિકોબાર ટાપુઓના અલગ અલગ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ એટલે કે 21, 22 અને 23 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો જોવા મળશે.
હવામાન વિભાગે 23 ઓક્ટોબર સુધી આ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.
આ સમયગાળા દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા સ્થળોએ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ ખતરનાક હવામાનને ધ્યાનમાં રાખીને, સ્થાનિક બંદરો માટે પણ વિશેષ ચેતવણી જારી કરવામાં આવી છે. માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને આગામી આદેશ ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા અને હવામાનની પળેપળની માહિતી મેળવતા રહેવા માટે વિનંતી કરાઈ છે.
આંદામાન અને નિકોબારના પ્રવાસીઓ અને રહેવાસીઓએ કોઈ પણ મુસાફરી અથવા દરિયાઈ પ્રવૃત્તિઓ શરૂ કરતા પહેલા હવામાન વિભાગની સત્તાવાર ચેતવણીઓનું પાલન કરવું આવશ્યક છે.












Click it and Unblock the Notifications
