ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને વધુ એક ઝટકો, હવે પુર્વમંત્રી શિંદે સાથે જોડાયા
મહારાષ્ટ્રમાં સતત રાજનીતિક ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. દીપક સાવંતે પાર્ટી છોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેનો હાથ પકડ્યો છે.

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી છે. મહારાષ્ટ્રમાં સતત રાજનીતિક ઉથલપાથલ જોવા મળી રહી છે ત્યારે હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. દીપક સાવંતે પાર્ટી છોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેનો હાથ પકડ્યો છે.
ડૉ. સાવંત અગાઉ મહારાષ્ટ્રમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રધાન રહી ચૂક્યા છે. સીએમ એકનાથ શિંદેએ શિવસેનામાં જોડાવાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે તેમના અનુભવથી પાર્ટીને ફાયદો થશે. દીપક સાવંત મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિંદેની શિવસેનામાં જોડાયા હતા.
દીપક સાવંત પાર્ટીમાં જોડાતા એકનાથ શિંદેએ જણાવ્યુ કે, હું ડો.દીપક સાવંતનું અમારી શિવસેનામાં સ્વાગત કરું છું. અમને તેમના અનુભવોનો લાભ મળશે. દેશના ઘણા નાના રાજ્યો કરતા વધુ બજેટ ધરાવતી BMCની ચૂંટણી પહેલા ઠાકરે કેમ્પ માટે આ એક મોટો રાજકીય આંચકો માનવામાં આવી રહ્યો છે.
દીપક સાવંત અગાઉ શિવસેનાના MLC હતા અને તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં 2014 થી 2018 સુધી કેબિનેટ મંત્રી પણ રહ્યા છે.2018માં તેમને કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને ઉદ્ધવ ઠાકરેએ તેમને વિધાન પરિષદની ચૂંટણીમાં ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો.
અહીં એ વાત પણ ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતા સુભાષ દેસાઈના પુત્ર ભૂષણ દેસાઈએ પણ પાર્ટી છોડી હતી. અહીં તેને બાળાસાહેબ ઠાકરેના વિચારોને શિંદે આગળ લઈ જઈ રહ્યા હોવાની વાત કરી હતી.












Click it and Unblock the Notifications
