નવી દિલ્હી, 21 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સાંજે 7.30 વાગ્યે પોતાના બે દિવસના ધરણાની સમાપ્તીની જાહેરાત કરી દીધી છે. કેજરીવાલે પોતાના આંદલનકારી સાથીઓને સંબોધતા જણાવ્યું કે લેફ્ટેનન્ટ ગવર્નરે બે એસએચઓને રજા પર મોકલી દીધા છે, ત્યારબાદ કેજરીવાલે ધરણા સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે મને એલજીનો પત્ર મળ્યો છે અને તેમણે આ વિષયે એક્શન લેવાનું આશ્વાસન આપ્યું છે, ઉપરાંત માલવિયાના બે એસએચઓને રજા પર મોકલી દેવાયા છે. તેમજ એક મહિલાને સળગાવી દેવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. માટે આ દિલ્હીની જનતાની જીત છે અને આપણી આ લડાઇ ચાલતી રહેશે.
અરવિંદ કેજરીવાલે રાજ્યપાલનો પત્ર મળ્યા બાદ 30 કલાકથી ચાલી રહેલા પોતાના ધરણાને થંભાવી દીધું છે. સાથે સાથે તેમણે એવી જાહેરાત પણ કરી કે ધરણા આવી જ રીતે ચાલતા રહેશે, જો દિલ્હીની પોલીસ સામાન્ય જનતાની સાંભળશે નહી તો. અમે દિલ્હીની પોલીસને દિલ્હીની જનતા દ્વારા ચૂંટવામાં આવેલી સરકાર પ્રત્યે જવાબદેહ બનાવવાની કોશીશ કરતા રહીશું.