અરવિંદ કેજરીવાલના 'ગુજરાતમાં બળદમાંથી દૂધ કાઢવા'વાળા નિવેદનનો શું છે અર્થ?
અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કહ્યુ કે ગુજરાતમાં પાંચ સીટ જીતવી એ બળદમાંથી દૂધ કાઢવા સમાન છે. જાણો આ વાક્યનો શું અર્થ છે.
Arvind Kejriwal: દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે રવિવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં કહ્યુ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો જીતવી સામાન્ય વાત નથી. પાર્ટી નેતાઓને સંબોધિત કરીને અરવિંદ કેજરીવાલે કહ્યુ કે ગાયમાંથી તો સહુ કોઈ દૂધ કાઢી શકે પરંતુ ગુજરાતમાં પાંચ સીટ જીતવી એ બળદમાંથી દૂધ કાઢવા બરાબર છે. રાજકીય વર્તુળોમાં અરવિંદ કેજરીવાલના આ નિવેદનના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ, અરવિંદ કેજરીવાલના આ નિવેદન પાછળની રણનીતિ કંઈક અલગ જ છે.

દિલ્લીની એમસીડી ચૂંટણી અને ગુજરાતમાં વોટ શેરમાં જંગી બહુમતીથી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવ્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમની ટીમ અને કાર્યકરોને સીધો સંદેશ આપ્યો છે કે દેશમાં જો ભાજપનો કોઈ વિકલ્પ હોય તો તે આમ આદમી પાર્ટી જ છે. જ્યારે અરવિંદ કેજરીવાલ એમ કહે કે તેમણે ગુજરાતમાં બળદમાંથી દૂધ કાઢ્યુ છે, તો તેમનો ઈશારો સ્પષ્ટ છે કે ભાજપના ગઢમાં જો કોઈ તેમને પડકારી શકે તો તે આમ આદમી પાર્ટી છે. આમ કહીને અરવિંદ કેજરીવાલ તેમના કાર્યકરો-નેતાઓને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાગ લેવા માટે આહ્વાન કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા વિપક્ષોને પણ સંદેશો આપ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સતત દાવો કરી રહી હતી કે તે આ વખતે મૌન ચૂંટણી પ્રચાર દ્વારા ભાજપને સત્તા પરથી હટાવી દેશે. પરંતુ, પરિણામો આવતાં કોંગ્રેસનો દાવો પોકળ સાબિત થયો હતો. જોકે, કોંગ્રેસે ખુલ્લેઆમ સ્વીકાર્યુ છે કે આમ આદમી પાર્ટીની હાજરીથી તેમને નુકસાન થયુ છે. આ સ્થિતિમાં અરવિંદ કેજરીવાલનુ નિવેદન કે તેમણે ગુજરાતમાં બળદમાંથી દૂધ કાઢ્યું તે વિપક્ષ માટે સંદેશ છે કે આમ આદમી પાર્ટી હવે ફ્રન્ટ ફૂટ પર છે અને તેને ઓછી આંકવી વિપક્ષ માટે ઘાતક સાબિત થશે.












Click it and Unblock the Notifications
