'દારુ કૌભાંડ ક્યારેય નથી થયુ, આ લોકોએ ખોટુ બોલીને કેસ બનાવ્યા', CM કેજરીવાલના CBI-ED પર પ્રહાર
સીબીઆઈએ દિલ્લી સરકારની એક્સાઈઝ પૉલિસીમાં કથિત કૌભાંડમાં પૂછપરછ માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 16 એપ્રિલે સમન્સ પાઠવ્યા છે. જે બાદ શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને કેજરીવાલે CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર નિશાન સાધ્યુ હતુ.
કેજરીવાલે ફરી પુનરોચ્ચાર કર્યો કે દારૂનુ કોઈ કૌભાંડ નથી થયુ. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યુ કે તેમને CBI તરફથી સમન્સ મળ્યા છે. હું ચોક્કસપણે તેનો આદર કરીશ.

તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા પર તેમના 14 ફોન તોડવાનો આરોપ છે. ત્યારે ED કહી રહી છે કે તેમાંથી 4 ફોન તેમની પાસે છે અને CBI કહી રહી છે કે 1 ફોન તેમની પાસે છે.
દિલ્લીના સીએમે વધુમાં કહ્યુ કે જો તેમણે ફોન તોડી નાખ્યા હોય તો ફોન કેવી રીતે મળ્યા. આ લોકોએ જુઠ્ઠું બોલીને કેસ કર્યા અને કહ્યુ કે દારૂનુ કૌભાંડ છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે ED અને CBIએ કોર્ટને ગેરમાર્ગે દોર્યા અને સિસોદિયાને ફસાવવા માટે ખોટુ બોલ્યા.
તેમણે કહ્યું કે બે કેન્દ્રીય એજન્સીઓ દરરોજ કોઈ-કોઈને પકડી રહી છે અને તેમને ધમકાવવામાં આવી રહ્યા છે, માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, 'કેન્દ્રીય એજન્સીઓ દારૂની નીતિની તપાસમાં કોર્ટમાં અમારી વિરુદ્ધ ખોટુ બોલી રહી છે. ધરપકડ કરાયેલા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, અમારા પર કાર્યવાહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.'
તેમણે કહ્યુ, 'સીબીઆઈએ દારૂ નીતિ કેસમાં મનીષ સિસોદિયા પર ખોટો આરોપ લગાવ્યો છે. ખોટા નિવેદનો કઢાવવા માટે લોકોને માર મારવામાં આવ્યો હતો. એજન્સીઓ પુરાવા માટે લોકોને ત્રાસ આપી રહી છે.' તેમણે આરોપ લગાવ્યો કે તેમને દિલ્લીના મંત્રીઓના નામ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે.
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પૉલિસી કેસમાં સાક્ષી તરીકે રવિવારે (16 એપ્રિલ) સવારે 11 વાગે એજન્સીના હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. તિહાર જેલમાં કલાકોની પૂછપરછ બાદ 9 માર્ચે ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
