Assam Flood : આસામમાં પૂર પ્રકોપથી પ્રભાવિત થયા પાંચ લાખ લોકો, મોંઘવારી આસમાને
Assam Flood : આસામમાં આવેલા વિનાશકારી પૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે. આ વચ્ચે લોકોને પડ્યા પર પાટું વાગવા જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. પૂરને કારણે ખાવા પીવાની વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે.
પૂરના કારણે આસામની 11 હજાર હેક્ટર જમીન પરનો પાક બરબાદ થઇ ગયો છે. જે કારણે રાજ્યમાં શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. પૂરના પ્રકોપને કારણે સપ્લાય ચેઈનને પણ અસર થઈ છે, જેના કારણે રાજ્યમાં અન્ય ખાદ્ય ચીજોની પણ અછત સર્જાઈ રહી છે. આ સાથે જે વસ્તુઓ હવે અતિ મોંઘા ભાવે મળી રહી છે.

આસામમાં પૂરથી અત્યાર સુધીમાં 19 જિલ્લાઓમાં લગભગ 4.89 લાખ લોકો પ્રભાવિત થયા છે. છેલ્લા 24 કલાકમાં નલબારી જિલ્લામાં પૂરના કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અહેવાલ મુજબ, એકલા બજાલી જિલ્લામાં 2.5 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.
આ ઉપરાંત નલબારીમાં 80061, બારપેટામાં 73233, લખીમપુરમાં 22577, દારંગમાં 14583, તામૂલપુરમાં 14180, બક્સામાં 7282, ગોલપારામાં 4750 લોકો પ્રભાવિત થયા છે. આ પૂરના કારણે 1538 ગામો અસરગ્રસ્ત થયા છે.
ધુબરી અને જોરહાટ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પૂર અસરગ્રસ્તો માટે, 14 પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 140 રાહત શિબિરો અને 75 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ રાહત શિબિરોમાં 35142 લોકો રોકાયા છે. મોટી સંખ્યામાં અસરગ્રસ્તો રસ્તાના કિનારે અને અન્ય જગ્યાએ રહે છે.
એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર, ઇમરજન્સી સર્વિસ અને સિવિલ ડિફેન્સના લોકો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. પૂરના કારણે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ ઘણું નુકસાન થયું છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 213 રસ્તાઓ, 14 પુલો, ઘણા કૃષિ બંધો, શાળાની ઇમારતો, સિંચાઈ નહેરો વગેરે નાશ પામ્યા છે.
આસામમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી હતી. આ સાથે અમિત શાહે શક્ય તમામ મદદની જાહેરાત કરી છે. અમિત શાહે જણાવ્યું હતું કે, NDRFની ટીમો જમીન પર હાજર છે અને રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. મોદી સરકાર આ મુશ્કેલ સમયમાં આસામના લોકોની સાથે છે.
ગૃહમંત્રીના આ ટ્વિટ પર રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્યની સંભાળ લેવા બદલ ગૃહમંત્રીનો આભાર માન્યો હતો. હેમંત શર્માએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હાઈ એલર્ટ પર છે અને અસરગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
