Amul Vs Nandini : કર્ણાટકમાં અમૂલ અને નંદિની વચ્ચે જંગ, જાણો બન્ને કંપનીના દૂધના ભાવ
કર્ણાટકમાં અમૂલની એન્ટ્રીને લઈને રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષી પાર્ટીઓ અમૂલને એન્ટ્રી આપવાના વિરોધમાં છે. હાલમાં જ અમૂલે જાહેરાત કરી છે કે તે જલ્દી કર્ણાટકમાં ડેરી માર્કેટમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. અમૂલની આ જાહેરાતે ચૂંટણી વચ્ચે કર્ણાટકની રાજનીતિ ગરમાવી દીધી છે.

એક તરફ અમૂલ કર્ણાટકમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે તો બીજી તરફ વિપક્ષી પાર્ટી અને સ્થાનિકો નંદિનીના સર્મથનમાં ઉતર્યા છે. હવે સોશિયલ મીડિયા પર પણ બન્ને કંપનીઓમાંથી કોણ બેસ્ટ તેની ચર્ચા ચાલી રહી છે. હવે લોકો બન્નેના ભાવની પણ તુલના કરવા લાગ્યા છે.
અમૂલ વિરુદ્ધ નંદિનીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ટ્વિટર પર #SaveNandini અને #GoBackAmul જેવા હેશટેગ્સ ટ્રેન્ડ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો બંને કંપનીઓના દૂધના ભાવને લઈને ચર્ચા કરી રહ્યા છે. અમૂલે છેલ્લા કેટલાક મહિનામાં દૂધના ભાવમાં ઘણી વખત વધારો કર્યો છે. જ્યારે નંદિનીના દૂધના ભાવ પહેલા જેવા જ રહ્યા છે.
નંદિની બેંગ્લોરમાં સૌથી મોટી દૂધ વેચતી કંપની છે. અહેવાલો અનુસાર, નંદિની દૂધ દરરોજ 33 લાખ લિટર સપ્લાય કરે છે. જે શહેરના દૂધ પુરવઠાના 70 ટકાથી વધુ છે. ડેરીએ તેનો બજાર હિસ્સો જાળવી રાખવા માટે કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે.
માહિતી અનુસાર, નંદિની ડેરીના દૂધની સૌથી ઓછી કિંમત 39 રૂપિયા પ્રતિ લીટર છે. આ દરમિયાન અમૂલે જાહેરાત કરી છે કે અમૂલ ફ્રેશ અને અમૂલ ગોલ્ડ અને અન્ય પેકેટ મિલ્ક બ્રાન્ડ બેંગલુરુમાં 54 રૂપિયા પ્રતિ લિટર અને 64 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ થશે.
નંદિની ડેરીની હાલ બેંગલુરુ દૂધ માર્કેટમાં કોઈ સ્પર્ધા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે નંદિની દૂધની કિંમત ઓછી હોવા છતાં તેના વેચાણમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. અમૂલ કર્ણાટકમાં ઈ-કોમર્સ અને ઓનલાઈન વેબસાઈટ પર પણ તેના ઉત્પાદનોનું વેચાણ કરશે. જેના કારણે ગ્રાહકોને સમયસર હોમ ડિલિવરી મેળવવી સરળ બનશે.












Click it and Unblock the Notifications
