Bihar Assembly Election 2025 : બિહારમાં ફાઈનલ મતદાર યાદી જાહેર, જાણો ચૂંટણી ક્યારે?
Bihar Assembly Election 2025 : બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. ભારતીય ચૂંટણી પંચે (ECI) SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી (Final Voter List) જાહેર કરી છે.
આ યાદીના આધારે જ રાજ્યભરના મતદારો આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી વિગતો અનુસાર, બિહારમાં કુલ 7.24 કરોડથી વધુ મતદારો નોંધાયા છે. આ આંકડામાં નવા મતદારોના નામ ઉમેરવા અને ગેરહાજર કે મૃત્યુ પામેલાના નામ દૂર કરવાની કાર્યવાહી પણ સામેલ છે.
દાવો-આપત્તિની અવધિ દરમિયાન 16 લાખથી વધુ લોકોએ અરજી કરી હતી. આમાંથી 36,475 મતદારોએ નામ ઉમેરવા માટે અરજી કરી, જ્યારે 2.17 લાખ મતદારોએ નામ રદ કરાવવા માટે વિનંતી કરી હતી. આખરી યાદીમાં મૃતક, સ્થળાંતરિત અને બેવડી નોંધણી (Duplicate entries) ધરાવતા નામોને દૂર કરી દેવામાં આવ્યા છે.
બિહાર વિધાનસભામાં 243 બેઠકો છે અને તેનો કાર્યકાળ 22 નવેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. નિયમ મુજબ, ચૂંટણી પંચે આ તારીખ પહેલાં ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
સૂત્રો અનુસાર, ચૂંટણી પંચના અધિકારીઓ 4 અને 5 ઓક્ટોબરના રોજ પટનાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, વહીવટી તંત્ર અને ચૂંટણી સંબંધિત અન્ય તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ પછી ગમે ત્યારે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે.
સંભાવના છે કે ચૂંટણીનો પ્રથમ તબક્કો દિવાળી અને છઠ મહાપર્વ પછી એટલે કે ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાઈ શકે છે. ચર્ચા મુજબ, ગઈ ચૂંટણીની જેમ આ વખતે પણ મતદાન ત્રણ તબક્કામાં થવાની શક્યતા છે.
આખરી મતદાર યાદી જાહેર થતાંની સાથે જ હવે તમામ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે. સત્તાધારી NDA અને વિપક્ષી મહાગઠબંધન બંને મુખ્ય પક્ષો મતદારોને આકર્ષવા માટે પૂરી તાકાતથી મેદાનમાં ઉતરી ચૂક્યા છે.
આ ઉપરાંત નાના પ્રાદેશિક પક્ષો અને નવા ચહેરાઓ પણ આ વખતે ચૂંટણીના રાજકારણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.












Click it and Unblock the Notifications
