• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Birthday Special : અને ‘જરૂરિયાત’ બની ગયાં નરેન્દ્ર મોદી

By કન્હૈયા કોષ્ટી
|

અમદાવાદ, 17 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદીના નામ પહેલા આજે કોઈ હોદ્દો લખવાની જરૂર નથી રહી ગઈ. લખનારા ઘણું બધું લખી રહ્યા છે. કટ્ટર ટેકેદારો તેમને સીધા વડાપ્રધાન તરીકે જુએ છે, તો વિવેકશીલ ટેકેદારો તેમને ભાવિ વડાપ્રધાન તરીકે જુએ છે અને સામાન્ય સમર્થકો માટે માત્ર મોદી સંબોધન જ ઘણું કહી જાય છે. રહી વાત વિરોધીઓની, તો મોદી નામ પહેલા ‘ગુજરાતના મુખ્યમંત્રી' લખવું તેમની બંધારણીય મજબૂરી છે.

આજે આ નામને 63 વર્ષ પૂર્ણ થઈ ચુક્યાં છે. આ નામનો ગુંજારવ ભારતના વાતાવરણમાં છે અને આ દેશના જ્ઞાત ઇતિહાસ મેં ભાગ્યે જ કોઈ નામ આટલા જોમથી ગુંજ્યું હશે. આ નામનો ગુણગાન કરનારાઓનો હજૂમ છે, તો વખાણ કરવા માટે આખું ટોળું તૈયાર છે, તો બીજી બાજુ ટીકાકારોની પણ કોઈ કમી નથી. આટલા દ્વંદ્વો છતા આજે આ નામ માત્ર એક વ્યક્તિ કે વ્યક્તિત્વનો પર્યાય નથી રહી ગયો.

ગુજરાતમાં ઉત્તરી ભાગે મહેસાણા જિલ્લામાં વડનગર જેવા નાનકડા પંથકમાં 17મી સપ્ટેમ્બર, 1950ના રોજ અવતરેલું આ બી આજે વટવૃક્ષની જેમ વ્યાપક થવા આતુર છે, પરંતુ વામનમાંથી વિરાટની તેની આ યાત્રામાં સૌથી મહત્વનો ફાળો કોઈનો રહ્યો હોય, તો તે છે નફરત. નફરતનું રાજકારણ મોદીને બહુ રુચ્યું અને એક સમયે વિરોધી પક્ષોની નફરત જ નહીં, પણ પોતાના જ પક્ષની અંદર ટીકાઓથી ઘેરાયેલા મોદી આજે જરૂરિયાત બની ગયા છે અને તેનાથી પણ વધુ એમ કહો કે રાષ્ટ્રીય જરૂરિયાત બની ગયા છે.

વિકલ્પ નહીં, સંકલ્પ

વિકલ્પ નહીં, સંકલ્પ

શરુઆત કરીએ તે જ 4થી ઑક્ટોબર, 2001થી. આ તે જ દિવસ હતો કે જ્યારે નરેન્દ્ર મોદીનું ચૂંટણીલક્ષી અને સત્તાલક્ષી રાજકારણમાં પદાર્પણ થયુ હતું. ભાજપ હાઈકમાંડે ગુજરાતમાં જાન્યુઆરી-2001માં આવેલા ભૂકમ્પ બાદ પુનર્વાસ કાર્યોમાં નિષ્ફળતાના પગલે તે વખતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને હટાવી મોદીને વિકલ્પ તરીકે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો. 4થી ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાત ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થઈ અને તેમાં મોદી નેતા ચુંટાયા. 7મી ઑક્ટોબર, 2001ના રોજ તેમણએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપધ લીધા. કેશુભાઈના વિકલ્પ તરીકે સત્તારૂઢ થયેલા મોદી જોત-જોતામાં સંકલ્પ બની ગયાં અને પાછુ વળીને ન જોયું. પોતાના રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ-2 વિધાનસભા મત વિસ્તારમાંથી લડ્યાં. આ પેટા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિજયી થયાં અને જીતનો આ સિલસિલો પછી ક્યારેય થંભ્યો નહી.

નફરતના બી

નફરતના બી

ગોધરા કાંડ અને તે પછી થયેલા રમખાણોએ નરેન્દ્ર મોદીની છબી એટલી હદે ખરાબ કરી નાંખી કે 27મી ફેબ્રુઆરી, 2002 પછી દર રોજ-દર કલાકે-દર મિનિટે તેમની ઉપર કાદવ ઉછાવડું ફૅશન બની ગયું. અહીંથી શરૂ થયું મોદી પ્રત્યે નફરતનું રાજકારણ. શું કોંગ્રેસ ને શું ડાબેરીઓ, શું સમાજવાદી ને શું નાના-અમથા નેતાઓ, દરેકે મોદીને નિશાન બનાવ્યાં. રાજકારણ ઉપરાંત પણ એક આખુ ટોળું નરેન્દ્ર મોદી વિરુદ્ધ નફરત ભર્યા વ્યંગ્ય બાણ છોડતા રહ્યાં. નફરતની આ આંધી વચ્ચે મોદી અવિચલિત અને અડગ રહ્યાં. ગુજરાતના રમખાણોને રાષ્ટ્રીય શરમ ગણાવનારાઓને જવાબ આપ્યો ગુજરાતની જ પ્રજાએ અને રમખાણો બાદ ડિસેમ્બર-2002માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં મોદી પહેલી વખત બે તૃત્યાંશ બહુમતી સાથે પુનઃ મુખ્યમંત્રી બન્યાં.

બાજપાઈ પણ વિરુદ્ધ

બાજપાઈ પણ વિરુદ્ધ

રાષ્ટ્રીય રાજકારણમાં ભલે ગુજરાતના રમણખો અંગે ભાજપને વિરોધીઓની ગાળ ખાવી પડી હોય, પણ ગુજરાતમાં આ રમખાણો મોદી માટે આશીર્વાદ સમાન બન્યાં. 2002માં મળેલા વિજય બાદ પણ મોદી વિરોધીઓના મોઢા બંધ ન થયાં અને તેમની ઉપર સતત હુમલાઓનો મારો ચાલુ રહ્યો. નફરતનું જે રાજકારણ મોદીએ ઝીલ્યું, તેની કદાચ કોઈ બીજો રાજનેતા ટકી શક્યો હોત. રમખાણો અંગે તેમને આરોપીના પિંજરામાં ઊભા કરવા માટે સૌ કોઈ આતુર રહેતાં. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે તે વખતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈએ મોદીને રાજ ધર્મનું પાલન કરવાની સીખ આપી. એટલું જ નહીં, બાજપાઈનો તેવા લોકોમાં સમાવેશ થતો હતો કે જેઓ મોદીને મુખ્યમંત્રી પદેથી હટાવવાનો મત ધરાવતા હતાં, પરંતુ મોદી વિચલિત ન થયાં.

વિકાસનો રાહ

વિકાસનો રાહ

રમખાણો અંગે મોદીની રાષ્ટ્રીય કક્ષાએ ટીકાની ચિનગારી કોઈ પણ સમયે ભડકી ઉઠતી. મોદીએ પોતાના દામને લાગેલા આ ડાઘ અંગે ક્યારેય કોઈ ખુલાસો ન કર્યો કે કોઈ ટીકાનો શબ્દો દ્વારા જવાબે ન આપ્યો. દરેક શબ્દના તીરને તેઓ હૃદયમાં સાચવી રાખી તેનો જવાબ તૈયાર કરતા ગયાં. રમખણો બાદ ગુજરાત જ નહીં, પણ દેશના અનેક કટ્ટરવાદી હિન્દુઓના હૃદય સમ્રાટ બની ચુકેલા મોદીની અંદર એક બાજુ આ છબી જાળવી રાખવાની ઝંખના હતી, તો આ છબીમાંથી ઇતર એક એવી છબી બનાવવાની આતુરતા પણ હતી કે જેમાં કટ્ટર હિન્દુત્વની સાથે સર્વસમાવેશી હિન્દુત્વની ઝલક દેખાય અને મોદીએ તેની શરુઆત કરી વાઇબ્રંટ ગુજરાતના મંત્રથી. પ્રથમ વાર રાજ્યમાં 2003માં વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સમ્મેલન થયું અને અહીંથી જ પકડ્યો મોદીએ વિકાસનો રાહ. ચાર માસ સુધી રમખાણોની આગમાં દાઝનાર ગુજરાત પોતાના સ્વભાવ મુજબ પોતાના ધંધા-રોજગારમાં વ્યસ્ત થઈ ગયું. રમખાણોના દંશ ભુલાવી ગુજરાત આગળ વધવા લાગ્યું અને મોદીએ ગુજરાતની આ જ વિકાસશીલતાને પોતાની શક્તિ બનાવી. એક બાજુ રાષ્ટ્રીય કક્ષાએ નફરતની તલવારો ઉગામાતી રહી અને બીજી બાજુ મોદી ગાંધીનગર મેં બેઠા-બેઠા નફરતની આ તલવારને બુટ્ઠી કરવામાં જોતરાયેલા રહ્યાં. આ તલવાર બુટ્ઠી કરવા માટેનું શાનદાર શસ્ત્ર અપનાવ્યું મોદીએ. આ શસ્ત્ર હતું વિકાસ અને હિન્દુત્વની અવધારણા જાળવી રાખી મોદીએ વિકાસને મહત્વ આપ્યું. મોદીને જે રીતે સરકારનો ગેરલાભ ઉઠાવી ગુજરાત રમખાણો અંગે જવાબદાર ઠેરવાયા, મોદીએ તેવી જ રીતે સરકારનો ઉપયોગ કર્યો આરોપોની ધારને બુટ્ઠી કરવામાં.

સૌથી કપરો કાળ

સૌથી કપરો કાળ

વર્ષ 2004 નરેન્દ્ર મોદીના રાજકીય જીવનનો સૌથી કપરો કાળ ગણી શકાય. આ તે સમય હતો કે જ્યારે મોદી ચારેબાજુથી ઘેરાઈ ગયા હતાં. રમખાણો અંગે તેમની સામે આરોપોની વણઝાર ચાલુ હતી. ઉપરાંત લોકસભા ચૂંટણીમાં બાજપાઈ સરકારનું પતન થયું. ચોવીસ પક્ષો ધરાવતા એનડીએના અનેક સાથી પક્ષોએ ચૂંટણીમાં એનડીએના પરાજય માટે નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણોને જવાબદાર ગણાવ્યાં. આ બાજુ ગુજરાતમાં મુખ્યમંત્રી પદેથી ખસેડાયેલા કેશુભાઈ પટેલ ખુન્નસભેર તૈયાર બેઠા હતાં. મોદી નબળા પડતાં જ કેશુભાઈએ પોતાના ટેકેદારો સાથે માથુ ઉંચક્યું. એ. કે. પટેલ જેવા જૂના જોગીઓનો સાથ લઈ કેશુભાઈ મોદી વિરુદ્ધ લૉબિંગ શરૂ કર્યું અને મોદીનું સિંહાસન ડોલવા લાગ્યું. જોકે આવા કપરા કાળમાં પણ તેઓ અડિગ રહ્યાં અને રાષ્ટ્રીય કક્ષાએ લાલકૃષ્ણ અડવાણીનો મોદી પ્રેમ તેમની ખુરશી બચાવતો રહ્યો.

અમેરિકી પ્રહાર

અમેરિકી પ્રહાર

રમખાણો અંગે જોરદાર નફરતનું રાજકારણનો સામનો કરતાં મોદીએ ધિક્કાર ઉપર વિકાસનો પડ ચડાવવાનું ચાલુ રાખ્યું અને પુનઃ એક વાર વાઇબ્રંટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સમ્મેલન યોજાયું. હવે આ સમ્મેલન ગુજરાતમાં વિકાસના સૌથી મોટા સ્વરૂપ તરીકે જોવામાં આવવા લાગ્યું. બીજી બાજુ રમખાણોના ડાઘ મોદીનો પીછો છોડતા નહોતાં. આ વખતે સાત સમંદર પાર અમેરિકામાંથી પ્રહાર થયો. અમેરિકાએ અચાનક મોદીને વિઝા આપવાનો ઇનકાર કર્યો. આની પાછળના કારણોમાં ગુજરાતના રમખાણો હતાં. જોકે અમેરિકાનો આ નિર્ણય પ્રત્યક્ષ રીતે ભારતીય સમ્પ્રભુતા ઉપર હુમલો હતો. તેથી જ કેન્દ્રમાં સત્તારૂઢ યૂપીએ સહિત દેશના તમામ વિરોધી પક્ષોના નેતાઓએ પણ અનિચ્છાએ મોદી વિરોધી આ અમેરિકી નિર્ણયની ટીકા કરવી પડી. આમ છતાં વિરોધીઓ અમેરિકાના આ નિર્ણયને અપ્રત્યક્ષ રીતે યોગ્ય પણ ઠેરવતા રહ્યાં. આમ મોદી વિરુદ્ધ નફરતની જ્વાળાઓ ઉઠતી જ રહી, પરંતુ મોદીએ જ્વાળાઓનો હવે સ્વોદય માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું.

ગુજરાતે ફરી આપ્યો ટેકો

ગુજરાતે ફરી આપ્યો ટેકો

ઘરમાં જ ઉથલપાથલનો સામનો કર્યા છતા નરેન્દ્ર મોદી અડગ રહ્યાં. તેમણે 2002માં પાંચ વરસ માટે જનાદેશ પ્રાપ્ત કર્યો હતો અને તેઓ પોતાનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ ખરી શક્યાં. બીજીબાજુ મોદી ઉપર હુમલાઓ ચાલુ હતાં. વિરોધીઓના નિશાને તો તેઓ હંમેશા જ રહેતાં, પરંતુ પોતાનાઓથી પણ તેમને ઓછી નફરત નહોતી મળી. તેમના જ પક્ષમાં તેમના અનેક વિરોધીઓ હતાં. આમ છતાં મોદી અવિચલિત રહ્યાં. આ દરમિયાન રમખાણો અંગે તપાસ અને ન્યાયિક પ્રક્રિયા શરૂ થઈ. રાજકીય જ નહીં, પણ એનજીઓ પણ મોદી સામે ઝુકાયા. તીસ્તા સેતલવાડથી લઈ શબનમ હાસમી અને મહેશ ભટ્ટથી લઈ શબાના આઝમી સુદ્ધા મોદીને નિશાન બનાવતા રહ્યાં, પંરુત મોદીને દરેક સવાલનો જવાબ પ્રજામાં દેખાયો. 2007માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પુનઃ બે તૃત્યાંશ બહુમતી સાથે જીત્યાં અને આ સાથે જ મોદી વિરોધીઓના મોઢે પુનઃ એક વાર તાળા લાગી ગયાં.

છોટે સરદાર થયા અસરદાર

છોટે સરદાર થયા અસરદાર

બીજી વખત ચૂંટણી જીતવા સાથે જ નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાએ ચમકદાર વ્યક્તિત્વ તરીકે ઉપસવા લાગ્યાં. વાઇબ્રંટ સમ્મેલનોની સફળતા અને નફરતના નામે જ સહી, અમેરિકા સુધી તેમનો ડંકો વાગ્યો. તેમના કટ્ટર હિન્દુત્વવાદી ટેકેદારો તો દેશમાં મોજૂદ હતાં જ, પણ ટેકેદારોની યાદીમાં હવે કેટલાંક એવા લોકો પણ જોડાતા થયાં કે જેઓ વિકાસના સમર્થક હતાં. ધીમે-ધીમે મોદીની છબી રાષ્ટ્રીય કક્ષાએ વિકસિત થવા લાગી. રાષ્ટ્રીય કક્ષાએ માત્ર રમખાણો અંગે ચર્ચા કરનારાઓને મોદીએ વિકાસના રાજકારણ ઉપર વાત કરવા મજબૂર કર્યાં. આમ મોદી ધીમે-ધીમે ગુજરાતમાં માત્ર છોટે સરદાર તરીકે જ સ્થાપિત થવા ન લાગ્યાં, પણ અસરદાર થઈ રાષ્ટ્રીય કક્ષાએ ઉપસવા લાગ્યાં. આ દરમિયાન તેમણે સદ્ભાવના ઉપવાસ કર્યાં. વિરોધીઓ અને રાજકીય પંડિતોએ ભલે આ ઉપવાસને મોદીની છબી બદલવાની સાજિશ ગણી, પરંતુ મોદીના મતે તેઓ એટલું જ કહેવા માંગતા હતાં કે જો વિકાસ થયો છે, તો તેમાં દરેક વર્ગની ભાગીદારી છે, દરેક વર્ગે જાળવી રાખેલી શાંતિ અને સદ્ભાવના છે અને તેનો ફાયદો દરેક વર્ગને મળ્યો છે.

આમ ઊભી થઈ જરૂરિયાત

આમ ઊભી થઈ જરૂરિયાત

હકીકતમાં નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય જરૂરિયાત બની ગયાં છે. તેની પાછળ ક્રમશઃ ઊભી થયેલી પરિસ્થિતિઓ જ જવાબદાર છે. મોદી એક નહીં, ત્રણ-ત્રણ વિકલ્પો તરીકે ઉપસ્યાં છે. સૌપ્રથમ વિકલ્પ તેઓ પોતાના પક્ષમાં બન્યાં. બીજો વિકલ્પ તેઓ કેન્દ્રમાં હાલની સરકારમાંથી ઉપજેલી નિરાશાના કારણે બન્યાં અને ત્રીજો વિકલ્પ તેઓ મજબૂત નેતૃત્વકર્તા તરીકે બન્યાં છે. ક્રમશઃ જોઇએ, તો લોકસભા ચૂંટણી 2009 ભાજપે અડવાણીના નેતૃત્વમાં લડી. આ ચૂંટણીમાં ભાજપ બુરી રીતે હાર્યો તથા જેમ-તેમ કરીને મનમોહન સિંહ બીજી વાર વડાપ્રધાન બની ગયાં. આ પરાજયે ભાજપને રાષ્ટ્રીય કક્ષાએ વેર-વિખેર કરી નાંખી. આ બાજુ નરેન્દ્ર મોદી ગુજરાતમાં પોતાના વિકાસ કાર્યોના પગલે સતત રાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં રહેવા લાગ્યાં. ક્યારેક રમખાણોના નામે ફાઇલ ફોટો કે ફાઇલ વીડિયોમાં દેખાતાં નરેન્દ્ર મોદી વિકાસના નામે ચર્ચા કરતાં અને દલીલો કરતાં લાઈવ દેખાવા લાગ્યાં. તેમના વિકાસના મંત્રો દેશના લોકો ખાસ તો યુવાનોને ગમતા થયાં.

છેલ્લો પડાવ પણ કર્યો પાર

છેલ્લો પડાવ પણ કર્યો પાર

એટલું જ નહીં, આ દરમિયાન નરેન્દ્ર મોદીએ 2012ની વિધાનસભા ચૂંટણી જીતી એક મહત્વની ઉપલબ્ધિ હાસલ કરી. આ મહત્વનો પડાવ પાર કરતાં જ મોદી માટે રાષ્ટ્રીય કક્ષાએ ઊભેલી જરૂરિયાતોએ માર્ગ મોકળો કરી આપ્યો. એક બાજુ લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પક્ષમાં નેતૃત્વ શૂન્યતા જેવી પરિસ્થિતિ હતી, તો બીજી બાજુ કેન્દ્રમાં મનમોહન સરકારનો બીજો કાર્યકાળ લોકો માટે મોંઘવારી, બેકારી, સરહદી સલામતી, કૌભાંડો, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓના કારણે પીડાદાયક બનતો જતો હતો. આમ મોદીની પ્રથમ જરૂરિયાત ભાજપની અંદર જ ઊભી થઈ. પક્ષને એક એવા નેતૃત્વની શોધ હતી કે જે દરેક ક્ષેત્રના સવાલોના જવાબ આપી શકે અને આ કાબેલિયત મોદીમાં કુટાઈ-કુટાઈને ભરેલી છે. લોકપ્રિયતાની બાબતમાં તો તેઓ ક્યારનાય સૌથી આગળ નિકળી ચુક્યા હતાં. બીજી જરૂરિયાત કેન્દ્રની યૂપીએ સરકાર પ્રત્યે લોકોમાં વ્યાપ્ત નિરાશાએ ઊભી કરી. લોકો એમ માનવા લાગ્યાં કે હવે કેન્દ્રમાં કોઈ મજબૂત સરકાર હોવી જોઇએ. હવે રહી છેલ્લી અને સૌથી ખાસ જરૂરિયાત વડાપ્રધાન પદની, તો લોકો મનમોહન સિંહને મૌનને તેમની સૌથી મોટી નબળાઈ માને છે અને દેશમાં નુકસાનકારક ગણાવે છે. એમ પણ દરેક દેશવાસી જાણે જ છે કે મનમોહન સિંહ કઠપુતળી વડાપ્રધાન છે. દેશનું શાસન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હાથે છે. એવી પરિસ્થિતિમાં વડાપ્રધાન પદે એક મજબૂત વ્યક્તિની જરૂરિયાત ઊભી થઈ અને નરેન્દ્ર મોદીએ પોતાની જાતને આ જરૂરિયાતને અનુકૂળ બનાવી દીધાં.

English summary
Today Narendra Modi celebrates his 63rd birthday. Today Modi has become a national necessity, but behind this achievement Modi suffered from many stones of hate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more