શું અમેઠીમાં યુવરાજ, કવિને પડકારી શકશે અભિનેત્રી?
નવી દિલ્હી, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીએ સોમવાર રાત્રે અમેઠીમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ અભિનેત્રીમાંથી નેતા બનેલી સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે રાયબરેલીમાં સોનિયા ગાંધી વિરુદ્ધ ઉચ્ચતમ ન્યાયાલયના વકીલ અજય અગ્રવાલને ઉતાર્યા છે.
આ પહેલા એવી અટકળો હતી કે રાયબરેલીમાં પાર્ટી ઉમા ભારતીને ઉમેદવાર બનાવી શકે છે કે પરંતુ ઉમાએ રાયબરેલીમાંથી લડવાની ના પાડી હતી અને તેઓ ઝાંસી છોડવા તૈયાર નહોતા, તેમજ તેમને બે બેઠક પરથી લડાવવામાં સામાન્ય સહમતિ બની નહોતી.
પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સ્મૃતિ અને અગ્રવાલને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ અને અરૂણ જેટલી ઉપસ્થિત હતા. ભાજપના મહાસચિવ જેપી નડ્ડાએ કહ્યું કે, ન્યૂ જસ્ટિસ પાર્ટીના પ્રમુખ એસી શાનમુગમ તમિળનાડુમાં વેલ્લોર સંસદીય બેઠક પરથી ભાજપના ચૂંટણી ચિન્હ પર ચૂંટણી લડશે. સમિતિએ એ પણ નિર્ણય કર્યો છે કે, તેમના પ્રદેશ મહાસચિવ કરુપ્પા એમ મુરુગનનથમ તંજાવુર લોકસભા બેઠકમાં ચૂંટણી લડશે. તસવીરો થકી જાણીએ અમેઠી બેઠક અંગે.

શું કહ્યું સ્મૃતિ ઇરાનીએ
સ્મૃતિએ કહ્યું કે, પરિવારના નામ પર, અમેઠીની જનતાએ લાંબા સમયથી વિકાસના ફળથી દૂર રાખ્યો. હું માનું છું કે આ ઘણું શરમજનક છે. હું મારી જાતને સૌભાગ્યવાન માનું છું કે સામાન્ય પરિવારની દિકરીને ભાજપે કોંગ્રેસના યુવરાજ સામે ઉભી રાખી છે. તેમણે કહ્યું કે, દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વથી બદલાવ આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિશ્વાસ
આમ આદમી પાર્ટીએ પહેલાંથી જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ કુમાર વિશ્વાસને ઉતાર્યા છે. કુમાર વિશ્વાસ છેલ્લા એકાદ બે મહિનાથી સખત પરિશ્રમ કરી રહ્યાં છે અને અમેઠીમાં આમ આદમી પાર્ટી તરફ લોકોને આકર્ષી રહ્યાં છે.

યુવરાજ અને કવિ સામે ભાજપે ઉતાર્યા અભિનેત્રી
ભાજપે કોંગ્રેસના યુવરાજ કહેવાતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કવિ કુમાર વિશ્વાસને પડકારવા અને તેમને પરાસ્ત કરવા માટે ટીવીનો જાણીતો ચહેરો સ્મૃતિ ઇરાનીને મેદાનમાં ઉતાર્યા છે. ટીવી શ્રેણી થકી તેઓ ઘર ઘરમાં જાણીતા છે અને સારા નેતા હોવાના કારણે તેઓ આ વિસ્તારમાં બન્ને નેતાઓને પડકારશે તેવું પાર્ટીનું માનવું છે.

1980 બાદ એક જ વાર કોંગ્રેસનો પરાજય
અમેઠી બેઠકના ઇતિહાસ પર નજર ફેરવીએ તો 1980થી 2009 સુધીમાં આ બેઠક પર એક જ વાર કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે. 1998માં ભાજપના સંજય સિંહનો કોંગ્રેસના કેપ્ટન સતિષ શર્મા સામે વિજય થયો હતો, રાહુલ ગાંધી જ્યારથી આ બેઠક પર ચૂંટણી લડે છે, ત્યારથી આ બેઠક પર તેમની સામે ઉભા રહેનારા નેતાઓની ડિપોઝીટ પણ જપ્ત થઇ જાય છે. આ પહેલીવાર હશે કે તેમને મજબૂત સ્પર્ધા મળશે.












Click it and Unblock the Notifications
