રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે બીજેપીનો પલટવાર, ભારતનું અપમાન ગણાવ્યુ
બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ભારતનું અપમાન કરે છે. જ્યારે પણ બહાર જાય છે ત્યારે દેશના લોકોનું અપમાન કરે છે.
નવી દિલ્હી : આ દિવસોમાં રાહુલ ગાંધી ફરીથી એક વખત વિદેશ પ્રવાસે છે અને ફરીથી દેશની રાજનીતિમાં તેમની ચર્ચા છે. રાહુલ ગાંધી ઈંગ્લેન્ડના પ્રવાસે છે અને અહીં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં રાહુલે ભારતની રાજકીય સ્થિતિ, ચીન સરહદ વિવાદ, કાશ્મીર સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. હવે આ મુદ્દે દેશની રાજનીતિ ગરમાઈ છે. બીજેપી રાહુલ ગાંધી પર ભારતનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે.

આ મુદ્દે વાત કરતા બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે પણ વિદેશ જાય છે ત્યારે ભારતનું અપમાન કરે છે. જ્યારે પણ બહાર જાય છે ત્યારે દેશના લોકોનું અપમાન કરે છે. આજે તે ભારતની દરેક સંસ્થા, ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, મીડિયાની ટીકા કરે છે. સંસદમાં તેમણે મોદીજી પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા. તમે આખા ભારતમાં ખોટા આક્ષેપો કરો છો. તમને પાયાવિહોણા આરોપો કરવાની સ્વતંત્રતા છે?
રવિશંકર પ્રસાદે આગળ કહ્યું કે, કોણ છે રાહુલ ગાંધી? તેઓ એવા નેતા છે જે ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર બહાર છે. તેની માતા અને પરિવારના અન્ય ઘણા સભ્યો જામીન પર છે. તમારી સરકારે જનતાના પૈસા લૂંટ્યા છે, પરંતુ તમે વિદેશ જઈને દેશનું અપમાન કરો છો, આ યોગ્ય રીત નથી. આજે દેશ રાહુલનો અસલી ચહેરો જોઈ રહ્યો છે. તે ભારતનું અપમાન કરી રહ્યા છે અને ચીનના વખાણ કરી રહ્યા છે. ભાજપ તેમના બાલિશ નિવેદનની નિંદા કરે છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં ચીનના જોરદાર વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ચીનનો તમામ વિકાસ પ્રકૃતિ સાથે જોડાયેલો છે. જ્યારે અમેરિકા પોતાને કુદરતથી મોટું માને છે. ચીનને શાંતિમાં કેટલો રસ છે તે કહેવા માટે આ પૂરતું છે. તેમણે કાશ્મીરને હિંસક સ્થળ ગણાવ્યું હતું. અહીં રાહુલ ગાંધીએ ભારતની લોકશાહી ખતરામાં હોવાની વાત પણ કરી હતી. રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે સરકાર તેના ફોન ટેપ કરાવી રહી છે.












Click it and Unblock the Notifications
