Cervical Cancer Vaccine: 9થી 14 વર્ષની છોકરીઓને ટૂંક સમયમાં સ્કૂલોમાં જ મફત લગાવાશે સર્વાઈકલ કેન્સરની વેક્સીન
કેન્દ્ર સરકાર કિશોરીઓને સ્કૂલમાં જ સર્વાઈકલ કેન્સરની વેક્સીન લગાવવાની વ્યવસ્થા કરી આપશે.
Cervical Cancer Vaccine: દેશમાં મહિલાઓમાં વધી રહેલા સર્વાઈકલ કેન્સરની રોકથામ માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે વૈજ્ઞાનિકોએ સર્વાઈકલ કેન્સરના ઈલાજ માટે એચપીવી વેક્સીન તૈયાર કરી લીધી છે અને તે ટૂંક સમયમાં 9થી 14 વર્ષની છોકરીઓને આપવામાં આવશે. હવે લેટેસ્ટ અપડેટ મુજબ કેન્દ્ર સરકાર કિશોરીઓને સ્કૂલમાં જ વેક્સીન લગાવવાની વ્યવસ્થા કરી આપશે.

કેન્દ્ર સરકારનો આ નિર્ણય નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ફૉર ઈમ્યુનાઈઝેશન(એનટીએજીઆઈ)ની યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામમાં હ્યુમન પેપિલોમાવાયરસ(એચપીવી) રસી પ્રસ્તુત કરવાની ભલામણના આધારે લેવામાં આવ્યો હતો. ભારત 2023ના મધ્ય સુધીમાં સ્વદેશી રીતે વિકસિત CERVAVAC વેક્સીન શરુ કરે તેવી અપેક્ષા છે. 9થી 14 વર્ષની કિશોરીઓ માટે એક વખતની કેચ-અપ રસી આપવામાં આવશે. ત્યારબાદ તેને 9 વર્ષે રજૂ કરવામાં આવશે.
જે સ્કૂલોમાં છોકરીઓની સંખ્યા વધુ હશે તે સ્કૂલોમાં સૌથી પહેલા સર્વાઈકલ કેન્સરની રસી આપવામાં આવશે. અભિયાનના દિવસે જે છોકરીઓ સ્કૂલે નહિ આવી શકે તેમણે નજીકના આરોગ્ય કેન્દ્ર પર વેક્સીન લગાવવાની રહેશે. શાળાએ ન જતી 9થી 14 વર્ષની છોકરીઓને સામુદાયિક અભિયાન અને મોબાઈલ ટીમોના માધ્યમથી રસીકરણનો હિસ્સો બનાવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે યુ-વિન એપનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
એક સંયુક્ત પત્રમાં કેન્દ્રીય શિક્ષણ સચિવ સંજય કુમાર અને કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલોમાં એચપીવી રસીકરણ કેન્દ્રોના આયોજન અને રસીકરણ ગતિવિધિઓના સમન્વય અને 9-14 વર્ષની છોકરીઓની સંખ્યા મિલાવવા માટે દરેક સરકારી અને ખાનગી સ્કૂલોમાં એક નોડલ વ્યક્તિ નીમવા માટે યોગ્ય નિર્દેશ જાહેર કરવાનો અનુરોધ કર્યો છે. તે માતા-પિતા અને શિક્ષકોની બેઠક દરમિયાન જાગૃકતા પણ ફેલાવશે.
તમને જણાવી દઈએ કે ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા નંબરે છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ ભારતમાં સર્વાઈકલ કેન્સરના કારણે મોત થાય છે. ભારતમાં એક વર્ષમાં 80,000 મહિલાઓના મોત સર્વાઈકલ કેન્સરથી થાય છે. સર્વાઈકલ કેન્સરનુ જો વહેલી તકે નિદાન થઈ જાય અને અસરકારક રીતે સારવાર કરવામાં આવે તો તે એક રોકી શકાય અને ઉપચાર કરી શકાય તેવો રોગ છે. મોટાભાગના સર્વાઈકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાયરસ(એચપીવી) સાથે સંકળાયેલા હોય છે અને જો છોકરીઓ અને અથવા મહિલાઓના સપર્કમાં વાયરસ આવે એ પહેલા જ રસી આપવામાં આવે તો એચપીવી રસી સર્વાઈકલ કેન્સરના મોટાભાગના કેસોને અટકાવી શકે છે.












Click it and Unblock the Notifications
