મિડ ડે મીલ અંગે બાળ આયોગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો

બાળ આયોગના સભ્ય ડોક્ટર યોગેશ દુબેએ આજે જણાવ્યું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ અંગે રાજ્ય સરકાર પાસેથી વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાજ્યના બાળ અધિકાર આયોગને પણ કહેવામાં આવ્યું છે કે તે પોતાની રીતે સમગ્ર કેસની તપાસ કરાવે અને રાષ્ટ્રીય બાળ અધિકાર પંચને પોતાનો રિપોર્ટ આપે.
બિહારના સારણ જિલ્લાના ધર્મસાતી ગંડામન ગામ સ્થિત પ્રાથમિક વિદ્યાલયમાં મધ્યાહન ભોજન કરવાથી 22 બાળકોના મોત થયા છે. જ્યારે 25થી વધારે વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે દુબેએ જણાવ્યું કે રાજ્ય સરકાર આ ઘટનાની તપાસ કરાવી રહી છે. આશા છે કે તપાસ પૂરી થયા બાદ તમામ હકીકત બહાર આવશે.
તેમણે જણાવ્યું કે મધ્યાહન ભોજનથી બાળકોના બિમાર પડવા અથવા તેમની મોતના કિસ્સા અગાઉ પણ બહાર આવતા રહ્યા છે. આ કારણે ભોજનની ગુણવત્તા સુધારવા સાથે દેખરેખની કડક વ્યવસ્થા કરવામાં આવે એ પણ જરૂરી છે.












Click it and Unblock the Notifications
