મેઘાલયમાં CAA, ઈનર લાઈન પરમિટ પર હોબાળો, 1નુ મોત, કર્ફ્યુ, નેટ બંધ
મેઘાયલના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ઈચમાટી વિસ્તારમાં શુક્રવારે ખાસી છાત્ર સંઘ (કેએસયુ)ના સભ્યો અને બિન આદિવાસીઓ વચ્ચે થયેલી હોબાળામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ. આ હોબાળો કેએસયુ દ્વારા નાગરિકતા સુધારા કાયદા (સીએએ) અને ઈનર લાઈન પરમિટ (આઈએલપી) પર ચર્ચા માટે બોલાવાયેલી બેઠક બાદ થઈ છે. મૃતક વ્યક્તિની ઓળખ 35 વર્ષના લરશઈ હાઈનિવેતા તરીકે થઈ છે, જે ખાસીમાં ટેક્સી ચલાવતો હતો.
રાજધાની શિલૉંગ અને તેની આસપાસના વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, સાથે જ 6 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પણ બંધ છે. આ બાબતે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ શુક્રવારે રાતે ઈમરજન્સી બેઠક કરી. ત્યારબાદ તેમણે કહ્યુ, 'અમે કર્ફ્યુ લગાવવાનો નિર્ણય લીધો છે. અમે જોઈશુ કે સ્થિતિ કેવી રહે છે ત્યારબાદ તેને લંબાવવામાં આવી શકે છે.' વળી, કેએસયુ સેન્ટ્રલ બૉડીના અધ્યક્ષ લંબોકસ્ટારવિલ મારંગરે કહ્યુ, 'બેઠક સીએએના અમારા વિરોધ અને આઈએલપીના કાર્યાન્વયનની માંગ માટે હતી. બેઠક શાંતિથી થઈ પરંતુ અમુક બિન સ્થાનિક લોકોએ બેઠક ખતમ થયા બાદ અમારા પર હુમલો કરી દીધો.'
મેઘાલય પોલિસે નિવેદન જારી કરીને કહ્યુ, ઈચમાતીમાં શુક્રવારે કેએસયુની બેઠક થઈ. બપોરે ત્રણ વાગે બેઠક બાદ કેએસયુના સભ્યો અને વિસ્તારના સ્થાનિક બિન આદિવાસીઓ વચ્ચે ઝડપ થઈ ગઈ. ત્યારબાદ કેએસયુના સભ્યો બજારના કિનારે એક ઘાસનો ઢગલો બાળી દીધો અને એક ઘરને બાળવાની કોશિશ પણ કરી. બિન આદિવાસીઓએ જવાબી કાર્યવાહી કરી અને કેએસયુના સભ્યોને લઈ જતી બસ પર હુમલો કરી દીધો.
પોલિસે આગળ કહ્યુ, 'કેએસયુના ચાર સભ્યો ઘાયલ છે, બેને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને રજા મળી ગઈ છે, બાકીના બેને અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જે સ્થાનિક ટેક્સી કેએસયુના સભ્યોને લેવા ગઈ હતી તેને નુકશાન પહોંચ્યુ છે.' પોલિસના જણાવ્યા મુજબ ટેક્સી ડ્રાઈવર આ ઘટનામાં ઘાયલ થઈ ગયો હતો ત્યારબાદ તેનુ મોત થઈ ગયુ. પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટના કાર્યાલય દ્વારા જારી એક અધિસૂચનામાં શિલાંગ અને તેની આસપાસના વિસ્તારમાં શુક્રવારે રાતે 10 વાગ્યાથી શનિવારે સવારે 8 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જે 6 જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે તેમાં પશ્ચિમી જયંતિયા હિલ્સ, પૂર્વ જયંતિયા હિલ્સ, પૂર્વ ખાસી હિલ્સ, દક્ષિણી પશ્ચિમી ખાસી હિલ્સ શામેલ છે. અહીં 48 કલાક સુધી આ સેવા બંધ રહેશે. અધિકૃત અધિસુચના અનુસાર આ દરમિયાન એસએમએસની સીમા એક દિવસમાં પાંચ જ રહેશે.
શું છે સીએએ
સીએએ એટલે કે નાગરિકતા સુધારા કાયદો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો. આમાં ત્રણ પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ઉત્પીડનના શિકાર થઈને ભારત આવનારા છ બિન મુસ્લિમ સમાજના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે.
ઈનર લાઈન પરમિટ શું છે
આઈએલપી એટલે કે ઈનર લાઈન પરમિટ એક પ્રવાસ દસ્તાવેજ છે જેને ભારત સરકાર પોતાના નાગરિકો માટે જારી કરે છે જેથી તે કોઈ સંરક્ષિત ક્ષેત્રમાં નિર્ધારિત સમય માટે પ્રવાસ કરી શકે.