સંસદની કાર્યવાહી રેકોર્ડ કરવી કોંગ્રેસ સાંસદને ભારે પડી, રજની પાટીલ પુરા સત્ર માટે સસ્પેન્ડ
સંસદની કાર્યવાહીને રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કરતા કોંગ્રેસ સાંસદ રજની પાટીલને પુરા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે.
નવી દિલ્હી : સંસદમાં અદાણીને લઈને સતત હંગામાની પરિસ્થિતી છે ત્યારે હવે કોંગ્રેસના સાંસદને પુરા સત્ર માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસ સાંસદ રજની પાટીલ પર આરોપ છે કે તેમને સંસદની કાર્યવાહીનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોને લઈને તેમના પર કાર્યવાહી કરાઈ છે.

આ મુદ્દે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, પીએમ મોદીના ભાષણનો વીડિયો બનાવવો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો વાંધાજનક હતો. આ મામલે વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રજની પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પિયુષ ગોયેલે સંસદની કાર્યવાહી દરમિયાન આ મુદ્દે વધુમાં જણાવ્યુ કે, ગઈકાલે જે રીતે કેટલાક સાંસદોએ ગૃહ અંદરનો વીડિયો બનાવ્યો તે ખૂબ જ વાંધાજનક હતો. આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આ મુદ્દે વાત કરતા રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું કે, આ મારા ધ્યાનમાં આવ્યું છે. મેં તેને ગંભીરતાથી લીધું છે. આ ગૃહની ગરિમા જાળવવા માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. તે પણ ત્યારે જ્યારે અમારી પાસે પુરાવા છે. આ મુદ્દે કોંગ્રેસનું પણ નિવેદન સામે આવ્યુ છે.
આ મુદ્દે કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, તપાસ વિના કોઈ સામે પગલાં ન લેવા જોઈએ. સાંસદ રજની પાટીલને દબાણ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અહીં તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના સંબોધન અંગે જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન વિરોધ પક્ષોના નેતાઓએ સૂત્રોચ્ચાર કરતા ગૃહમાં હંગામો મચાવ્યો હતો. રજની પાટીલે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.












Click it and Unblock the Notifications
