'મેંડૂસ' વાવાઝોડાના લીધે તમિલનાડુમાં ભારે વરસાદ, સ્કૂલો-કૉલેજો બંધ, ઉત્તર-પશ્ચિમ તરફ વધી રહ્યુ છે આગળ
'મેંડૂસ' વાવાઝોડાએ દક્ષિણ ભારતમાં દસ્તક દઈ દીધી છે. જેના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જાણો દક્ષિણ ભારતીય રાજ્યોની હવામાન અપડેટ.
Cyclone Mandous: ચક્રવાતી તોફાન 'મેંડૂસ' તમિલાડુમાં પહોંચી ચૂક્યુ છે. શુક્રવારે મોડી રાતે 'મેંડૂસ' વાવાઝોડાએ મામલ્લપુર નજીક દસ્તક દીધી. સમગ્ર દક્ષિણ ભારત વાવાઝોડાની અસર હેઠળ છે. વાવાઝોડાના પગલે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તોફાનની અસર અન્ય રાજ્યો કર્ણાટક અને કેરળમાં પણ જોવા મળી રહી છે. ચેન્નઈમાં ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે.

તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થયુ મેંડૂસ વાવાઝોડુ
'મેંડૂસ' વાવાઝોડુ 9 ડિસેમ્બરની રાતે અને 10 ડિસેમ્બરની સવારે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણી આંધ્ર પ્રદેશની વચ્ચે તટીય ક્ષેત્રોમાંથી પસાર થયુ. જેના કારણે તમિલનાડુના ચેન્નઈ અને પુડુચેરીમાં ભારે વરસાદ ચાલુ છે. હવામાનને જોતા ચેન્નઈ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્કૂલો બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આદેશ મુજબ 10 ડિસેમ્બરે ચેન્નઈ, પુડુચેરી, ચેંગલપટ્ટુ, વેલ્લોર, વિલ્લુપુરમ અને કાંચીપુરમ, સિરુમલાઈ, કોડાઈકનાલ, તિરુવલ્લુર અને કરાઈકલમાં સ્કૂલો-કૉલેજો બંધ રહેશે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ, વીજળી ડૂલ
પોલીસના જણાવ્યા મુજબ સુરક્ષા, રાહત અને બચાવ કામગીરી માટે તમિલનાડુ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની 40 સભ્યોની ટીમ ઉપરાંત 16,000 પોલીસકર્મીઓ અને 1,500 હોમગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જિલ્લાની ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 12 ટીમો તૈયાર રાખવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોના લગભગ 400 કર્મચારીઓને કાવેરી ડેલ્ટા વિસ્તારો સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પહેલેથી જ તૈનાત કરવામાં આવ્યા છે.તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન એ જાહેરાત કરી છે કે જાળવણી કાર્ય માટે ચેન્નઈના કેટલાક ભાગોમાં વીજળી કાપવામાં આવશે.

ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધી રહ્યુ છે આગળ
RMC અને ભારતીય હવામાન વિભાગ(IMD)ના અહેવાલો મુજબ 'મેંડૂસ' વાવાઝોડાએ લેન્ડફોલ પૂર્ણ કરી લીધુ છે. હવે અપેક્ષા છે કે તે આજે સાંજ સુધીમાં રાજ્યમાં નબળુ પડી શકે છે. આરએમસી ચેન્નાઈના ડીડીજીએમ એસ બાલચંદ્રને જણાવ્યુ કે ચક્રવાત ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યુ હોવાથી આજે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં 55-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જો કે સાંજ સુધીમાં પવનની ગતિ ઘટીને 30થી 40 કિમી પ્રતિ કલાક થઈ જશે.

મહારાષ્ટ્રમાં જોવા મળી શકે છે અસર
ભારતીય હવામાન વિભાગ(IMD) દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે તમિલનાડુ, કર્ણાટક અને કેરળ સિવાય હવે મહારાષ્ટ્રમાં 'મેંડૂસ' વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારને પણ સાવચેતીના પગલા તરીકે એલર્ટ કરવામાં આવી છે. આ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને પ્રશાસનને પણ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ કરી દેવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
