મોંથા વાવાઝોડાનું તાંડવ: લેન્ડફોલ બાદ ઘણા રાજ્યોમાં રેડ એલર્ટ, ભારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સ રદ
Cyclone Montha: બંગાળની ખાડીમાં સર્જાયેલા ગંભીર ચક્રવાતી તોફાન 'મોંથા' એ મંગળવારે રાત્રે આંધ્ર પ્રદેશ અને યાનમના દરિયાકાંઠા વચ્ચે, મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ નજીક લેન્ડફોલ કર્યા બાદ અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) અનુસાર, લેન્ડફોલ બાદ આ તોફાન નબળું પડીને 'ચક્રવાતી તોફાન'માં પરિવર્તિત થયું છે.

લેન્ડફોલની શરૂઆત મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ થઈ હતી. હવે આ ચક્રવાત ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે અને તેના કારણે ભારે વરસાદ, તેજ પવન અને પાકને મોટા નુકસાનની ભીતિ છે. બુધવારે સવારે IMD એ જણાવ્યું કે 'મોંથા' આગામી 6 કલાક સુધી ચક્રવાતી તોફાન તરીકે જળવાઈ રહી શકે છે અને ત્યારબાદ તે ઊંડા દબાણમાં બદલાઈ જશે.
કયા રાજ્યોમાં કેવું રહેશે હવામાન?
આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ અસર અને પાકને નુકસાન
- આંધ્ર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
- પ્રકાશમ, નેલ્લોર, એલુરુ, પૂર્વ ગોદાવરી, ગુન્ટૂર અને કૃષ્ણા જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થવાની સંભાવના છે.
- મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, 'મોંથા'ને કારણે આંધ્ર પ્રદેશમાં 1.76 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનો નાશ થયો છે. જેમાં 38,000 હેક્ટર ઉભા પાક અને 1.38 લાખ હેક્ટર બાગાયતી પાકનો સમાવેશ થાય છે.
- શરૂઆતી આકલન મુજબ, 22 જિલ્લાના 403 મંડળો આ તોફાનથી પ્રભાવિત થયા છે.
ઓડિશા અને તેલંગાણામાં રેડ એલર્ટ
- ઓડિશા: મલકાનગીરી, કોરાપુટ, રાયગડા, ગજપતિ અને ગંજામ જિલ્લામાં રેડ એલર્ટ છે. અન્ય જિલ્લાઓ યલો એલર્ટ પર છે. ઓડિશાના 8 જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે અને અત્યાર સુધીમાં 11,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
- તેલંગાણા: મુલુગુ, ખમ્મમ અને ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્ર પર અસર
IMDએ મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનોની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
35થી વધુ ફ્લાઇટ્સ રદ
'મોંથા'ની અસરના કારણે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. જીએમઆર એરપોર્ટ્સ અનુસાર, તેલંગાણાના શમશાબાદ અને આંધ્ર પ્રદેશના વિજયવાડા, વિશાખાપટ્ટનમ તથા રાજમુંદરી વચ્ચેની 35થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.
આંધ્ર પ્રદેશ અને ઓડિશા સરકાર દ્વારા રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. એનડીઆરએફ (NDRF) અને ઓડીઆરએફ (ODRF)ની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત છે.












Click it and Unblock the Notifications
