કોંગ્રેસનો નવો વ્યૂહ : રાષ્ટ્રીય રાજકારણમાં મોદી સ્થિર થાય તે પહેલા ચૂંટણી યોજો

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે ગુજરાતમાં ભાજપને સતત ત્રીજી ટર્મમાં સત્તા અપાવી અને સાથે ગુજરાતમાં કોંગ્રેસને ભૂતકાળ બનાવી દીધી એ જોઇને કોંગ્રેસના દેશભરના સિનિયર નેતાઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ઇલેકશન કમિટિનો ચાર્જ સંભાળી દેશનાં તમામ સ્ટેટની પરિસ્થિતિનો તાગ મેળવે એ પહેલા જ દેશમાં ઇલેકશન જાહેર કરી દેવું જોઇએ.
કોંગ્રેસના નેતાઓની આ નવી ચાલ પાછળ તેમનું માનવું છે કે પ્રચારમાં માસ્ટર ગણાતા મોદીને રાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટેજી બનાવવાનો સમય મળવો ના જોઇએ. દેશભરના સિનિયર નેતાઓએ તેમની આ ઇચ્છા સોનિયા ગાંધીના પોલિટિકલ એડવાઇઝર અહમદ પટેલ સુધી પહોંચાડી દીધી છે.
દિલ્હી કોંગ્રેસ સાથે સંકળાયેલા એક નેતાએ આપેલી માહિતી મુજબ અહમદ પટેલની આ બાબતમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે પણ વાત પણ થઇ ગઇ છે. સોનિયા ગાંધી પણ કોંગ્રેસનો પંજો દેશમાં ઉંચો રહે તે માટે નેતાઓની ઇચ્છા સાથે સંમત થઇ ગયા હોવાનું જાણવા મળે છે.
કોંગ્રેસના એક સાંસદે ઓફ ધી રેકોર્ડ જણાવ્યું છે કે "કોંગ્રેસ પાણી પહેલા પાળ બાંધવામાં માને છે. મોદીનો મેજિક અટકાવવા માટે અત્યારે જ ઇલેકશન જોહેર થાય તો જ મોદી પોતાની સ્ટ્રેટેજી ઘડવામાં ઉતાવળ કરે અને ભૂલ કરી બેસે એવી શક્યતા છે. જો નરેન્દ્ર મોદીને પૂરતો સમય મળી ગયો તો ચોક્કસપણે તે કોંગ્રેસ અને તેના સાથીપક્ષોને નુકસાન કરી શકે છે."
લોકસભા ચૂંટણી 2014નું આયોજન સમય કરતા વહેલું થાય એવી માંગણી કોંગ્રેસના દોઢસોથી વધુ સંસદસભ્યોએ કરી છે. જ્યારે એટલા જ અન્ય નેતાઓ પણ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદીને ભીડવવા માટે પ્રધાનમંડળ વિખેરી દઇને લોકસભાની ચૂંટણી વહેલી યોજવી જોઇએ. જો આ વ્યૂહ પર કોંગ્રેસ અમલ કરશે તો ચૂંટણી દિવાળીની આસપાસ એટલે કે નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
