અમિત શાહનું 850 સીટનું ગણિત ભાજપનું '2029 વિઝન ફોર્મ્યૂલા'? પરિસીમન રાજનીતિ મોદીને કેવી રીતે ચોથી ટર્મ જીતવશે?
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં પરિસીમન અને મહિલા અનામત બિલના વિવાદોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે દક્ષિણના રાજ્યોને કોઈ નુકસાન નહીં થાય, બલ્કે બેઠકો વધશે અને પ્રતિનિધિત્વ સચવાઈ રહેશે. 543 લોકસભા બેઠકો વધી આશરે 850 (લગભગ 816 + કેન્દ્રશાસિત પ્રદેશ) થશે, જેમાંથી એક તૃતીયાંશ મહિલાઓ માટે આરક્ષિત રહેશે. વિપક્ષ આને 'ઉત્તર ભારતને ફાયદો, દક્ષિણને સજા' ગણાવે છે.
શાહે વિપક્ષના પ્રહારોનો જવાબ આપતા કહ્યું કે બેઠકો હાલના પ્રમાણમાં જ વધારાશે, કોઈ રાજ્ય પાછળ નહીં રહે. તેમણે પાંચ દક્ષિણ રાજ્યોના આંકડા રજૂ કર્યા: હાલ 129 બેઠકો (23.76%) થી વધી 195 બેઠકો (23.87%) થશે. શાહે તમિલનાડુને આશ્વાસન આપ્યું કે સંસદમાં તેની શક્તિ ઘટશે નહીં, બલ્કે વધશે. દક્ષિણ રાજ્યો દ્વારા ખોટી વાર્તાઓ ઘડાઈ રહી હોવાનો તેમણે આક્ષેપ પણ કર્યો.

મહિલા અનામત સાથે 850 બેઠકોના ગણિતને શાહે સમજાવ્યું: 100 બેઠકો માટે મહિલાઓને 33% અનામત આપવા 50% બેઠકો વધારી 150 કરો. તેમાંથી 33% (50 બેઠકો) મહિલાઓ માટે આરક્ષિત રાખો. આમ, બાકીની 100 બેઠકો જૂની સંખ્યા જેટલી જ રહેશે. આ ફોર્મ્યુલા મુજબ, 543 બેઠકો 50% વધી આશરે 850 (ચોક્કસ 816) થશે. કુલમાંથી એક તૃતીયાંશ મહિલાઓ માટે આરક્ષિત રહેશે, જ્યારે અન્ય બેઠકોનો ગુણોત્તર જૂનો જ જાળવી રખાશે. શાહે સ્પષ્ટ કર્યું કે '850 અનુમાનિત આંકડો છે, વાસ્તવિક સંખ્યા 816 હશે.'
શાહે પરિસીમનના કારણો અને બદલાવો અંગે માહિતી આપી. 1976 પછી પરિસીમન થયું નથી અને તેનો આધાર 2011ની વસ્તી ગણતરી રહેશે. ઉદ્દેશ્ય ઉત્તર અને દક્ષિણ ભારતમાં વસ્તી અસંતુલન દૂર કરવાનો છે. ઉત્તરની વસ્તી ઝડપથી વધી, જ્યારે દક્ષિણે પરિવાર નિયોજન પર ભાર મૂક્યો હતો.
2023નો મહિલા અનામત કાયદો પરિસીમન પછી લાગુ પડશે. આ માટે બંધારણના અનુચ્છેદ 55, 81, 82, 170, 330, 332, 334(એ) માં સુધારા કરાશે. પરિસીમન આયોગ બનશે ને નવી બેઠકો-સીમાઓ 2029ની ચૂંટણીઓ માટે લાગુ પડશે, હાલની ચૂંટણીઓ પર અસર નહીં થાય. શાહે ભારપૂર્વક કહ્યું કે પરિસીમન કાયદો હાલના કાયદાને સંપૂર્ણપણે અનુરૂપ છે, કોઈ ફેરફાર નથી.
વિપક્ષ (DMK, કોંગ્રેસ, TMC) નો આરોપ છે કે 2011ની વસ્તી ગણતરી આધારિત પરિસીમનથી ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશને સૌથી વધુ ફાયદો થશે. તેનાથી વસ્તી નિયંત્રણ કરનારા દક્ષિણના રાજ્યો હાંસિયામાં ધકેલાઈ હિન્દી પટ્ટીનું વર્ચસ્વ વધશે. વિપક્ષ તેને સંઘવાદ વિરુદ્ધ ગણી સમાન પ્રતિનિધિત્વની માંગ કરે છે. મહિલા અનામત પરિસીમનથી અલગ કરાય તો વિરોધ પાછો ખેંચવાની તેમની શરત છે.
સરકારે જણાવ્યું કે દરેક રાજ્યને 50% વધારો સમાનરૂપે મળશે. દક્ષિણનો ટકાવારી હિસ્સો જાળવી રખાશે ને કોઈ રાજ્ય બેઠકો ગુમાવશે નહીં. શાહે સ્પષ્ટ કર્યું કે કોઈ ભ્રમ ન રહે. સરકાર દલીલ કરે કે આ માત્ર વિસ્તરણ છે, નુકસાન નહીં, પરંતુ વિપક્ષ તેને 2029ની ચૂંટણીઓ માટેની હેરાફેરી ગણાવે છે. પરિસીમન માત્ર આંકડાનો ખેલ નથી, પરંતુ ભારતીય વસ્તી નીતિ, સંઘીય માળખું અને રાજકીય સંતુલનની કસોટી છે.
દક્ષિણના રાજ્યો સવાલ ઉઠાવે છે કે વસ્તી નિયંત્રણ કર્યું, તો સજા કેમ? જ્યારે ઉત્તરના રાજ્યો કહે છે કે વસ્તી વધી, એટલે પ્રતિનિધિત્વ પણ વધવું જોઈએ. 2029ની ચૂંટણીઓમાં નવી બેઠકો, સીમાઓ ને રાજકીય સમીકરણ જોવા મળશે. શું દક્ષિણ સંતુષ્ટ થશે? શું ઉત્તરનું વર્ચસ્વ વધશે? શું મહિલા અનામત ખરેખર સશક્તિકરણ લાવશે? આ પ્રશ્નોના જવાબ સમય ને ચૂંટણીના પરિણામો જ આપશે.












Click it and Unblock the Notifications
