દેશમાં ફરી ધરા ધ્રુજી, જમ્મુ-કાશ્મીરના ડોડા અને વૈષ્ણો દેવીમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા
જમ્મુ-કાશ્મીરમાં બુધવારના રોજ ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. જે કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકના સમયગાળામાં ભૂકંપની બીજી ઘટના છે. આ પહેલા મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર સાથે દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મળતી માહિતી મુજબ બુધવારના રોજ ડોડા અને માતા વૈષ્ણો દેવીના બેઝ કેમ્પ કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, 14 જૂનની સવારે 2.20 કલાકે પહેલો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 4.3 હતી. તેનું કેન્દ્ર કટરાથી 10 કિમી અને 81 કિમીની ઊંડાઈ પર હતું.

આ પછી સવારે 7.56 કલાકે બીજો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા 3.5 હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પણ 10 કિમીની ઊંડાઈએ હતું. જે બાદ સવારે 8.29 કલાકે ત્રીજો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.3 હતી. તેનું કેન્દ્રબિંદુ કિશ્તવાડમાં 5 કિમીની ઊંડાઈએ હતું.
જ્યારે પહેલો ભૂકંપ આવ્યો, ત્યારે લોકો સૂતા હતા, તેથી કોઈને ખ્યાલ ન આવ્યો, પરંતુ બીજા અને ત્રીજા આંચકા પછી લોકો ભયભીત થઈ ગયા હતા. ઉતાવળમાં લોકો ઘરની બહાર આવીને ખુલ્લામાં ઉભા રહી ગયા હતા. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી.
અત્રે નોંધનીય બાબત છે કે, આ અગાઉ મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીરના ડોડામાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અંતર્ગત દિલ્હી, ઉત્તર ભારત અને પાકિસ્તાનના ઘણા ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, ડોડા જિલ્લામાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જોકે બાદમાં બધા શાંત થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
