Earthquake News : ઉત્તર ભારતમાં ભારે વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા, 4.9ની હતી તીવ્રતા
Earthquake News : ઉત્તર ભારતમાં કુદરતનો પ્રકોપ યથાવત છે. એક તરફ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ઘણુ નુકસાન થયું છે. આ વચ્ચે સોમવારના રોજ સવારે સીમાવર્તી રાજ્ય જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 10 જુલાઈના રોજ જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ સવારે 5:38 કલાકે આવ્યો હતો. હજુ સુધી કોઈ નુકસાનની જાણ થઈ નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તે બધા સવારે તેમના દિવસની શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે અચાનક ભૂકંપ આવ્યો હતો. જિલ્લામાં સતત મુશળધાર વરસાદ ચાલુ છે, આવી સ્થિતિમાં દરેક લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર નીકળીને ખુલ્લામાં આવી ગયા હતા. કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું, પરંતુ લાંબા સમય સુધી અરાજકતા ફેલાઇ હતી.
આ પહેલા રવિવારની સાંજે આંદામાન-નિકોબાર ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો. તેની તીવ્રતા 5.3 હતી. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આંચકા જોરદાર હતા, પરંતુ કોઈ નુકસાન થયું નથી. જોકે, થોડા સમય માટે લોકો ડરી ગયા હતા. હાલ સ્થિતિ સામાન્ય છે.
આ અગાઉ હિંસાગ્રસ્ત મણિપુરમાં ભૂકંપ આવ્યો હતો, જ્યાં તીવ્રતા ખૂબ જ ઓછી એટલે કે 3.3 હતી. ઘણી જગ્યાએ આંચકા અનુભવાયા ન હતા, તે માત્ર રિક્ટર સ્કેલ પર નોંધાયા હતા.
બીજી તરફ હિમાચલ અને જમ્મુ-કાશ્મીરમાં વરસાદ ચાલુ છે. હિમાચલમાં અનેક પુલ ધોવાઈ ગયા છે, જ્યારે 500થી વધુ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ત્યાં ઘણા લોકોના મોત પણ થયા. આવા સમયે જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે, ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું, જેના કારણે ડઝનેક રસ્તાઓ બંધ થઈ ગયા.












Click it and Unblock the Notifications
