શિક્ષણ સમાજના લોકોની ભાવનાઓને સમજવાનુ માધ્યમઃ યોગી આદિત્યનાથ
લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત યોજના'ના 'યુવા સંગમ' કાર્યક્રમ માટે આઈઆઈટી પલક્કડ, કેરળ અને લક્ષદ્વીપના 45 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને કહ્યું હતું કે 'શિક્ષણ સમાજના લોકોની ભાવનાઓને સમજવાનુ માધ્યમ છે.'
મુખ્યમંત્રીએ કહ્યું, "તમારામાંથી ઘણા લોકો પહેલીવાર ઉત્તર પ્રદેશમાં આવ્યા હશે, તે કોઈ પણ રાજ્યના હોય પરંતુ તેમની લાગણી દેશભક્તિની હશે. જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે તમામ રાજ્યો એક થઈને ઊભા હોય છે."

અહીં જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ મુખ્યમંત્રીએ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે પરિચય કર્યો. 45 યુવા પ્રતિનિધિમંડળમાંથી 35 કેરળના અને 10 લક્ષદ્વીપના છે. તેમાં 25 છોકરાઓ અને 20 છોકરીઓ હતી.
યોગી આદિત્યનાથે તેમને સફળ જીવન માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની સાથે તેમના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શિક્ષણ મંત્રાલયે આ નવતર પ્રયોગ (યુવા સંગમ) શરૂ કર્યો છે અને કેરળ જ્યાંથી તમે આવ્યા છો ત્યાં શંકરાચાર્ય પણ વર્ષો પહેલા આવ્યા હતા અને ચાર મઠની સ્થાપના કરી હતી.
આદિત્યનાથે કહ્યું કે તમે ઉત્તર પ્રદેશ જોયુ અને કેરળની જેમ ઉત્તર પ્રદેશ પણ દેશના સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું, "જનસંખ્યાની દ્રષ્ટિએ આ દેશનું સૌથી મોટું રાજ્ય છે. અહીં છ કરોડ મુસ્લિમ વસ્તી છે. તેમ છતાં, અહીં ન તો કર્ફ્યુ છે કે ન તો રમખાણો."
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, "છ વર્ષ પહેલા સુધી અહીં આવી સ્થિતિ નહોતી, ધાર્મિક પ્રસંગોએ હિંસા થતી હતી, લોકો સ્થળાંતર કરતા હતા, પરંતુ છ વર્ષમાં અમે તેને બદલવાનો પ્રયાસ કર્યો."
નિવેદન અનુસાર, વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સુકતાથી મુખ્યમંત્રીને પ્રશ્નો પૂછ્યા. એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમે સેવાને પ્રાથમિકતા પર રાખીએ છીએ. ધર્મનો આશય ફરજનો છે. અમે તેને સેવા સાથે જોડીને ફરજમાં વધારો કર્યો છે, તેથી ઉત્તર પ્રદેશ વારસાને માન આપીને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે.'
45 વિદ્યાર્થીઓનું આ જૂથ 26 થી 31 મે દરમિયાન મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, પ્રયાગરાજ ખાતે શૈક્ષણિક, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને પ્રવાસન વિશે જાણવા માટે આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને પ્રતિનિધિઓને ઓડીઓપીના ઉત્પાદનો પણ ભેટ આપ્યા હતા.












Click it and Unblock the Notifications
