3 રાજ્યોની 10 રાજ્યસભા સીટો માટે ચૂંટણીની જાહેરાત, 24 જૂલાઈએ મતદાન થશે
ભારતીય ઈલેક્શન કમિશને 3 રાજ્યોની 10 રાજ્યસભા ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાત, ગોવા અને પશ્ચિમ બંગાળની 10 સીટો પર 24 જૂલાઈએ મતદાન થશે. આ તમામ સીટો પરના સાંસદોનો કાર્યકાળ જૂલાઈ-ઓગસ્ટમાં ખતમ થઈ રહ્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યુ કે, સાંસદોની મુદત પૂરી થતા જે સીટો ખાલી પડશે તેમાં ગુજરાતથી વિદેશ મંત્રી એસ જયશંકરની સીટનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતથી બીજેપીને ત્રણ સાંસદોનો કાર્યકાળ 18 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ ત્રણ સાંસદોમાં વિદેશ મંત્રી જયશંકર, દિનેશચંદ્ર જેમલભાઈ અનાવડિયા અને લોખંડવાલા જુગલ સિંહ માથુરજી સામેલ છે.
આ સિવાય ગોવાની એક સીટ પર ચૂંટણી યોજાશે, અહીં પણ બીજેપી સાંસદ વિનય ડી. તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની 6 બેઠકો પર ચૂંટણી યોજાશે.
પશ્ચિમ બંગાળની 6 બેઠકોમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, સુષ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખર રે અને બંગાળના કોંગ્રેસના સાંસદ પ્રદિપ ભટ્ટાચાર્યનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે.
ચૂંટણી પંચે જણાવ્યુ કે, ચૂંટણી માટે જાહેરનામું 6 જુલાઈએ બહાર પડાશે. નામાંકન કરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ રહેશે. 24 જુલાઈએ મતગણતરી હાથ ધરાશે.
આ સિવાય ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની એક બેઠક પર પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. આ સીટ 11 એપ્રિલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ લુઈઝિન્હો જોઆકિમ ફાલેરોના રાજીનામાથી ખાલી થઈ હતી. તેમનો કાર્યકાળ 2 એપ્રિલ 2026 સુધી માન્ય હતો પરંતુ રાજીનામા બાદ આ સીટ ખાલી થઈ છે.












Click it and Unblock the Notifications
