Farmers Protest: 6 માર્ચથી 'દિલ્લી ચલો'ની તૈયારી, 10મીએ રેલ રોકો આંદોલન, જાણો શું છે આગળની રણનીતિ
Farmers Protest News: દિલ્હીમાં પ્રવેશવામાં નિષ્ફળ ગયેલા ખેડૂતોએ ફરી એકવાર તેમના આંદોલનની રણનીતિ તૈયાર કરી છે. 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ખેડૂતોની 'દિલ્હી માર્ચ' હરિયાણાની શંભુ સરહદથી આગળ વધી શકી નથી. આવી સ્થિતિમાં હવે ખેડૂત સંગઠનોએ તેમની માંગણીઓને લઈને નવી રણનીતિ તૈયાર કરી છે.
ખેડૂત નેતાઓ સરવન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલે રવિવારે (03 માર્ચ) દેશભરના ખેડૂતોને વિરોધ કરવા માટે 6 માર્ચે દિલ્હી પહોંચવાની અપીલ કરી હતી. આ સાથે ખેડૂત નેતાઓએ આંદોલનના સમર્થનમાં 10 માર્ચે દેશભરમાં ચાર કલાક માટે 'રેલ રોકો' આંદોલનનું પણ આહ્વાન કર્યું છે.

ખેડૂત નેતાઓએ કહ્યું કે પંજાબ અને હરિયાણાની સરહદ પર પડાવ નાખનારા ખેડૂતો 6 માર્ચે "શાંતિપૂર્ણ રીતે" દિલ્હી તરફ કૂચ શરૂ કરશે. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે વિરોધ કરી રહેલા ખેડૂતો 10 માર્ચે બપોરે 12થી 4 વાગ્યા સુધી દેશવ્યાપી 'રેલ રોકો' સાથે તેમનું આંદોલન ફરી શરૂ કરશે.
વાસ્તવમાં, પંઢેર અને દલ્લેવાલ પંજાબના બલોહ ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ તાજેતરમાં અથડામણ દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતના પૈતૃક સ્થળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર તેમની માંગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી ખેડૂતો હાલના વિરોધ સ્થળો પર તેમના આંદોલનને વધુ તીવ્ર બનાવશે.
ખેડૂત આગેવાન પંઢેરે જણાવ્યું હતું કે જ્યાં સુધી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. દૂર-દૂરના રાજ્યોના ખેડૂતો, જેઓ ટ્રેક્ટર ટ્રોલી પર પહોંચી શકતા નથી, તેમણે ટ્રેન અને પરિવહનના અન્ય માધ્યમો દ્વારા દિલ્હી જવું જોઈએ.
તેમણે કહ્યું કે આનાથી એ પણ સ્પષ્ટ થશે કે શું સરકાર એવા ખેડૂતોને પ્રવેશ આપે છે કે જેઓ ટ્રેક્ટર ટ્રોલી વગર જાય છે. શંભુ અને ખનૌરીમાં આંદોલન પહેલાની જેમ જ ચાલુ રહેશે અને તેને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. પંજાબની તમામ પંચાયતોએ ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં ઠરાવ પસાર કરવો જોઈએ, તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તેમની 'દિલ્હી ચલો' કૂચને રોકવા માટે "તમામ યુક્તિઓ" નો ઉપયોગ કરી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે યુનાઈટેડ કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 200થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા 'દિલ્હી ચલો' માર્ચ 13 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, જે કેન્દ્ર પર અનેક માંગણીઓ સ્વીકારવા માટે દબાણ બનાવવા માટે શરૂ થઈ હતી. જો કે, સુરક્ષા દળોએ તેમનુ આંદોલન રોકી દીધા બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ અને ખનૌરી બોર્ડર પોઈન્ટ પર અટવાયેલા છે.












Click it and Unblock the Notifications
