મોદીના લગ્નની ચર્ચાથી દેશમાં મોંઘવારી ઘટશે : શિવસેના
મુંબઇ, 15 એપ્રિલ : શિવસેના તેના સાથી પક્ષ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના લગ્ન મુદ્દે તેમની વહારે આવી છે. શિવસેનાએ સોમવારે પ્રકાશિત કરેલા તેના મુખપત્ર 'સામના'ના નવા અંકમાં નરેન્દ્ર મોદીના વૈવાહિક જીવનના મુદ્દે તેમનો બચાવ કર્યો છે.
સામનામાં કોંગ્રેસ પાર્ટી પર આ અંગત જીવનના મુદ્દાને રાજકારણમાં ઢસડી લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના લગ્ન અંગેની ચર્ચા કરવાથી મોંઘવારી ઘટવાનું હોય તેમ કોંગ્રેસને લાગી રહ્યું છે.
નરેન્દ્ર મોદીના બચાવમાં આગળ લખવામાં આવ્યું છે કે મોદીના લગ્ન અંગે ટિપ્પણી કરવાથી દેશમાં ભ્રષ્ટાચાર ખતમ થશે. મોદીના લગ્નજીવનનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસ તેનો લાભ ખાટવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સામનાના અંકમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. સામનામાં લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસના અનેક નેતાઓ પોતે મહિલાઓ સામે અત્યાચારના મામલામાં જેલમાં બંધ છે. આમ છતાં નરેન્દ્ર મોદીના લગ્ન અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દાને ઉઠાવનારા કોંગ્રેસીઓને મુર્ખ ગણાવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ મોદીના લગ્નની ચિંતા કરવાને બદલે રાહુલના લગ્નની ચિંતા કરવી જોઇએ.
સામનાના લેખમાં લખવામાં આવ્યું છે કે કોંગ્રેસના અનેક નેતાઓએ મહિલાઓને ફસાવીને તેમની જીંદગી બરબાદ કરી નાખી છે. તેમને લગ્નની લાલચ આપીને ઠગવામાં આવી છે. કોંગ્રેસી નેતાઓ મહિલાઓના બળાત્કારના કેસમાં પણ જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
