Flash back 2019: સુપ્રીમ કોર્ટના 8 મહત્વના ચુકાદા, જે ઉદાહરણ બન્યા
સુપ્રીમ કોર્ટે આ વર્ષે આયોધ્યા મામલો જે 7 દાયકાથી ચાલતો હતો તેના સહિત કેટલાક એવા કિસ્તામાં ચુકાદા આપ્યા જે ભવિષ્ય માટે ઉદાહરણરૂપ બન્યા છે. આ ઐતિહાસિક ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઈનું યોગદાન મહત્વનું રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે અયોધ્યા અંગે ઘણી ટીકા થવા છતાંય તેમણે વાતચીત કરીને ઉકેલ લાવવાની તક આપી હતી. પરંતુ જ્યારે ફરીવાર તે નિષ્ફળ રહી તો તેમણે સતત 40 દિવસ સુધી રજાઓમાં પણ સુનાવણી કરીને ચુકાદો આપ્યો અને આ વિવાદનો અંત આણ્યો. ચાલો જોઈએ 2019માં સુપ્રીમ કોર્ટે કયા મહત્વના ચુકાદા આપ્યા છે.

મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારને ઝટકો
ગત 26 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારને ઓપન બેલેટ દ્વારા લાઈવ ટેલિકાસ્ટ સાથે 30 કલાકમાં વિધાનસભામાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો હતો. અદાલતે તેમને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી બહુમતી સાબિત કરવા કહ્યું હતું. જો કે ફડણવીસે બહુમત સાબિત કરતા પહેલા જ રાજીનામુ આપી દીધું. શિવસેના, કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ભાજપ સરકાર પાસે બહુમતી નથી, તેમ છતાંય રાજ્યપાલે તેમને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યા છે.

કર્ણાટકમાં 15 ધારાસભ્યો અયોગ્ય ઠેરવાયા
સુપ્રીમ કોર્ટે 13 નવેમ્બરે કર્ણાટક વિધાનસભાના 15 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા અંગે ચુકાદો આપ્યો અને તત્કાલીન સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. જો કે અદાલતે આ ધારાસભ્યોને પેટાચૂંટણી લડવા અંગે પ્રતિબંધિત કરવાની ના પાડી દીધી. સ્પીકરે આ ધારાસભ્યોને પેટાચૂંટણી ન લડવા આદેશ આપ્યો હતો.
આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદાથી લઈને ઉન્નાવ રેપ પીડિતા સુધી, યુપીની 9 મોટી ઘટનાઓ જેની દેશભરમાં થઈ ચર્ચા

દેશના ચીફ જસ્ટિસની ઓફિસ પણ RTIમાં સામેલ
13 નવેમ્બરે આવો જ એક ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ભારતના ચીફ જસ્ટિસની ઓફિસને રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટમાં સામેલ કરવાનું કહ્યું. આ રીતે સુપ્રીમ કોર્ટે સીજેઆઈ ઓફિસને RTIમાં સામેલ કરવાના દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. અદાલતે કહ્યું પાર્દિશિતાથી ન્યાયિક સ્વતંત્ર નથી જોખમાતી. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બંધારણીય પીઠે કેસ ટુ કેસ બેઝ અને RTI સેફગાર્ડના દાયરામાં ભંધારણીય રીતે CJI ઓફિસની માહિતી જાહેર કરવા સહમતી આપી.

રાફેલ ડીલ પર વિપક્ષને ઝટકો
સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બરે મોદી સરકારને મોટી રાહત આપતા, રાફેલ કેસમાં ગુનાહિત તપાસની પુનર્વિચાર અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટના તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ. કે. કૌલ, કે.એમ. જોસેફે એક મતથી આ કેસની તમામ સંબંધિત પુનર્વિચાર અરજી ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમને નથી લાગતુ કે આ કેસમાં કોઈ FIR નોંધાવી જોઈએ કે પછઈ કોઈ પ્રકારની તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે તમામ પુનર્વિચાર અરજીની સુનાવણી પૂરી થયા બાદ સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. આ પહેલા કોર્ટે 14 ડિસેમ્બરે 2018ના રોજ રાફેલ ડીલને યોગ્ય ઠેરવી હતી.

રાહુલ ગાંધીને મળી માફી
રાફેલ ડીલ અંગેના કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ‘ચૌકીદાર ચોર હૈ' વાળા નિવેદન પર માફી આપી. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી વિરુદ્ધ ચોકીદાર ચૌર હેની ટીકાને ખોટી ઠેરવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવગણના અરજી પણ ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે રાહુલની ટિપ્પણી સચ્ચાઈથી દૂર હતી, અને તેમણે આવું ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપી કે અદાલતને લગતા કેસમાં પોતાની ટિપ્પણી કરતા પહેલા સાવધાન રહે.

સબરીમાલાની પુનર્વિચાર અરજી મોટી બેન્ચને સોંપી
કેરળના સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓ પ્રવેશની મંજૂરી આપવા માટેની પુનર્વિચાર અરજીઓને સુપ્રીમ કોર્ટે 14 નવેમ્બરે 7 સભ્યોની બેન્ચને સોંપી છે. સુપ્રીમ કોર્ટના 5 જજની બેન્ચે સબરીમાલા મામલાને 3:2ના ચુકાદાથી મોટી બેન્ચને સોંપ્યો છે. જો કે આ દરમિયાન અદાલતે પોતાના પાછલા નિર્ણય પર રોક નથી લગાવી. જો કે તેમણે કહ્યું છે કે પરંપરા ધર્મના સર્વોચ્ચ સર્વમાન્ય નિયમ મુજબ હોવી જોઈએ. સબરીમાલા મદિરમાં પહેલા 10થી 50 વર્ષની મહિલાઓને અંદર જવાની પરમિશન નહોતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે તમામ મહિલાઓને અંદર જવા મજૂરી આપી છે.

અયોધ્યા મામલે ઐતિહાસિક નિર્ણય
9 નવેમ્બર આ એ તારીખ હતી, જ્યારે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. દેશના તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીવાળી 5 સભ્યની બંધારણીય બેન્ચે 40 દિવસોની મેરાથોન સુનાવણી બાદ સદીઓ જૂના અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદનો ઉકેલ આપ્યો. પાંચ વિદ્વાન જજોએ એકમતે રામ મંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો. રામ જન્મભૂમિની 2.77 એકર વિવાદ જમીનનો માલિકી હક ખુદ ભગવાન રામ લલાને મળ્યો અને અદાલતે મસ્જિદ બનાવવા માટે અયોધ્યામાં જ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને 5 એકર જમીન આપવા સરકારને આદેશ આપ્યો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે ટ્રસ્ટની રચના કરવા પણ આદેશ આપ્યો છે. વિવાદિત જમીનના વધુ એક દાવેદાર નિર્મોહી અખાડાને પણ ટ્રસ્ટમાં સામેલ કરવા કહેવાયું છે. આ ત્રણેય આદેશનું પાલન કરવા સરકારને 3 મહિનાનો સમય મળ્યો છે. સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણય વિરુદ્ધ 18 રિવ્યુ પિટિશન થઈ છે, જેને ચીફ જસ્ટિસ એસ. એસ. બોબડેની આગેવાનીવાળી બંધારણીય બેન્ચે ફગાવી દીધી છે.

7 ભાષાઓમાં આવશે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે આ વર્ષે જુલાઈમાં પોતાના તમામ ચુકાદા હિન્દી-અંગ્રેજી સહિત 7 ભારતીય ભાષાઓમાં જાહેર કરવા આદેશ આપ્યો છે. તત્કાલીન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ સુપ્રીમ કોર્ટના પ્રશાસનિક પ્રમુખ હોવાના નાતે આ નિર્ણય કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના કોઈ પણ ચુકાદાની કૉપી તેની સત્તાવાર વેબસાઈટ પર ‘વર્નાક્યુલર જજમેન્ટ' ટેબથી ડાઉનલોડ કરી શકાય છે, જેમાં દક્ષિણ ભારતની ભાષાઓમાં પણ ચુકાદો હશે.