પહેલીવાર કેરળમાં ભાજપને મળી લોકસભા બેઠક, જાણો કોણ છે સુરેશ ગોપી?
who is Suresh Gopi: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપને બહુમતી કરતાં ઓછી બેઠકો મળી છે, પરંતુ તેની આગેવાની હેઠળના NDA ગઠબંધન પાસે પૂર્ણ બહુમતી છે.
ભાજપ માટે આ ચૂંટણી પરિણામમાં કેરળમાંથી પણ સારા સમાચાર સામે આવ્યા છે. કેરળમાં પહેલીવાર ભાજપે લોકસભા સીટ જીતી છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુરેશ ગોપી રાજ્યની ત્રિશૂર લોકસભા સીટ પરથી 75 હજારથી વધુ મતોથી જીત્યા છે. જાણો કોણ છે સુરેશ ગોપી?
કોણ છે સુરેશ ગોપી? - કેરળમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવનાર સુરેશ ગોપી એક મલયાલમ ફિલ્મ અભિનેતા છે, જેઓ રાજકારણ તરફ વળ્યા છે.
મણિચિત્રથાઝુ, એ નોર્ધન સ્ટોરી ઓફ વેલોર અને ઓરુ સીબીઆઈ ડાયરી કુરિપ્પુ સહિત 250 થી વધુ લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે. સુરેશ ગોપીને 1998માં તેમની ફિલ્મ કાલિયાટ્ટમ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.

ભાજપ સાથેના સંબંધો કેવી રીતે વિકસ્યા? - સુરેશ ગોપીનો જન્મ કેરળના અલપ્પુઝા જિલ્લામાં થયો હતો. ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત બનેલા સુરેશ ગોપીને રાષ્ટ્રપતિ દ્વારા 29 એપ્રિલ 2016ના રોજ રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. આ પછી સુરેશ ગોપી ઓક્ટોબર 2016માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ઘણી ચૂંટણીમાં પરાજય થયો - 2019માં સુરેશ ગોપી થ્રિસુરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે ગોપી ચૂંટણી જીતી ગયા હતા.
સુરેશ ગોપીએ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના ઉમેદવાર VS સુનિલ કુમારને રસપ્રદ હરીફાઈમાં હરાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મુરલીધરન આ બેઠક પરથી ત્રીજા સ્થાને રહ્યા હતા.
સુરેશ ગોપી પાસે કેટલી મિલકત છે? - સુરેશ ગોપીએ તેમના ચૂંટણી એફિડેવિટમાં 12 કરોડ રૂપિયાથી વધુની જંગમ અને સ્થાવર સંપત્તિ જાહેર કરી છે. સુરેશ ગોપીએ 2 એપ્રિલે સબમિટ કરેલા સોગંદનામામાં નાણાકીય વર્ષ 2023-24માં 4,39,68,960 રૂપિયાની આવક જાહેર કરી છે.
આઠ વાહનો અને 1025 ગ્રામ સોનું સહિત તેમની જંગમ સંપત્તિ રૂપિયા 4 કરોડથી થોડી વધુ છે. એફિડેવિટ મુજબ, અભિનેતાની સ્થાવર સંપત્તિ હાલમાં કુલ રૂપિયા 8,59,37,943 છે, જેમાં ખેતીની જમીનના બે પ્લોટ, બિન-ખેતી જમીનના સાત પ્લોટ અને સાત રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
