ગૂગલ 17 ઓક્ટોબરથી ભારતમાં લોન્ચ કરશે ક્રોમબુક્સ
નવી દિલ્હી, 10 ઓક્ટોબર : સર્ચ એન્જીનની દુનિયાની દિગ્ગજ કંપની ગૂગલે ગુરુવારે જણાવ્યું કે તેની પ્રોડક્ટ ક્રોમબુક આવતા સપ્તાહથી ભારતમાં ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે. ક્રોમબુક એવા લેપટોપ છે જે ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ ક્રોમ પર ઓપરેટ થાય છે.
નોંધનીય છે કે ક્રોમબુક સમગ્ર વિશ્વમાં બે વર્ષ પહેલા લોન્ચ થઇ ગયા હતા, પરંતુ ભારતમાં છેક હવે લોન્ચ થવા જઇ રહી છે. આ અંગે ગૂગલ તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર 17 ઓક્ટોબરથી ભારતીય એસર સી720 અને એચપી ક્રોમબુક 14ની મદદથી ક્રોમબુકની મજા માણી શકાશે.

નિવેદનમાં જણાવ્યા અનુસાર એસર સી 720 એ 8 કલાકનું બેટરી બેકઅપ ધરાવે છે. બીજી તરફ એચપી ક્રોમબુકમાં 14 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન છે. કંપની આ મોડેલ્સની સાથે 100 જીબી ગૂગલ ડ્રાઇવ સ્ટોરેજ ઓફર કરી રહી છે. આ ઓફર ખરીદી તારીખથી બે વર્ષ માટે માન્ય રહેશે.
એસર સી720ની કિંમત 22,999 રૂપિયા હશે. જ્યારે એચપી ક્રોમબુક 14ની કિંમત 26,990 રૂપિયા હશે. આ પ્રોડક્ટ્સ દિલ્હી અને મુંબઇમાં 17 ઓક્ટોબરથી રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા સ્ટોર પર ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત તે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ જેમ કે ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ બનશે.












Click it and Unblock the Notifications
