કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતના અનેક શહેરોના તાપમાન ઘટતા ફરી શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને સાંજે કાતિલ ઠંડી વર્તાય છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં વધુ કડકડતી બનશે. છેલ્લા 24 કલાકમાં કચ્છના નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ છે.

રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, વડોદરા અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વર્તાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે.
હવામાન વિભાગ મુજબ, આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડીનો માહોલ યથાવત રહેશે. આ સમયગાળામાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, તેમ વિભાગે જણાવ્યું છે.
રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે. દિવસભર આ શીતળ પવનો નાગરિકોને તીવ્ર ઠંડીનો અહેસાસ કરાવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હવામાન શુષ્ક રહ્યું. કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ પારો સામાન્યથી નીચે ગયો હતો. બાકીના પ્રદેશોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.












Click it and Unblock the Notifications
