હકીમ હત્યા કેસની તપાસ થાય : આમિર ખાન
બુલંદશહેર, 27 નવેમ્બર : સ્ટાર પ્લસના ફેમસ શો સત્યમેવ જયતે દ્વારા સામાજિક મુદ્દા ઉઠાવનાર આમિર ખાન હાલ ખૂબ જ આઘાતમાં છે. તેમના શોમાં આવેલ એક વ્યક્તિની હત્યા થઈ ગઈ છે. આપ નહિં સમજ્યાં, અમે બતાવીએ. થોડાંક વખત અગાઉ આમિર ખાને પોતાના શોમાં ખાપ પંચાયતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તે વખતે તેમના શોમાં અબ્દુલ હકીમ પોતાના પત્ની સાથે આવ્યા હતાં. હકીમે ખાપ પંચાયત વિરુદ્ધ વાતો કરી હતી. હકીમ અને તેમના પત્નીએ પ્રેમલગ્ન કર્યા હતાં. બંનેએ ખાપને પોતાની વિરુદ્ધ બતાવી હતી. હકીમે જણાવ્યુ હતું કે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે.

અને એ જ હકીમની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. આમિર ખાનને આ માહિતી ત્યારે મળી કે જ્યારે તેઓ પોતાની ફિલ્મ તલાશનું પ્રમોશન કરવા મેરઠ પહોંચ્યાં. આમિરે હકીમના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને સરકાર પાસેથી હકીમના પત્ની તેમજ પુત્રીને સંરક્ષણની માંગણી કરી છે.
આમિર ખાને જણાવ્યું કે શો દરમિયાન તેમણે લોકોની અંદર ખાપનો ખોફ જોયો હતો. જો પોલીસને તેમના તરફથી કોઈ મદદ જોઇતી હશે, તો તેઓ કરવા તૈયાર છે. તેમને હકીમના પત્ની અને પુત્રીની ફિકર છે. તેઓ આ બનાવ અંગે બુલંદશહેરના ડીએમ તથા એસએસપી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે પણ વાતચીત કરશે.
નોંધનીય છે કે ગત 22મી નવેમ્બરના રોજ બુલંદશહેર ખાતે આવેલ એક ગામમાં અબ્દુલ હકીમની કેટલાંક અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાંખી હતી. આ અંગે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમાંથી એકની ધરપકડ કરાઈ છે. હકીમ અને તેમના પત્નીએ પ્રેમલગ્ન કર્યા હોવાથી તેમને હત્યાનો ભય હતો અને એટલે જ બંને મેરઠ છોડી દિલ્હી જઈ રહ્યા હતાં.












Click it and Unblock the Notifications
