Haridwar Stampede : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
Haridwar Stampede : ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં એક દર્દનાક ઘટના બની છે. શ્રાવણ માસને કારણે ઉમટેલી શ્રદ્ધાળુઓની ભારે ભીડ વચ્ચે નાસભાગ મચી ગઈ.
આ ઘટનામાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે અને અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ દુર્ઘટના મંદિરની સીડીઓ પર બની હતી, જ્યાં ભારે ભીડ નિયંત્રિત કરી શકાઈ નહોતી.

હરિદ્વારના એસએસપી (SSP) પ્રમેન્દ્ર સિંહ ડોભાલે આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, અમને કેટલાક લોકોના ઘાયલ થવાના અહેવાલ મળ્યા હતા, જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. લગભગ ૩૫ લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અને તેમાંથી ૬ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ મંદિર માર્ગથી ૧૦૦ મીટર નીચે સીડીઓ પર વીજળીનો ઝટકો લાગ્યો હોવાની અફવાને કારણે આ નાસભાગ મચી હતી. પોલીસ આ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા બિહારના એક શ્રદ્ધાળુએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, અચાનક ત્યાં ભારે ભીડ ભેગી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ. આ દરમિયાન હું પડી ગયો અને મારો હાથ તૂટી ગયો.
દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારમાં ખાસ કરીને હર કી પૌડી અને મનસા દેવી મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે. જો કે, આ વર્ષે અતિશય ભીડને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ ધાર્મિક સમારોહમાં ભીડ વ્યવસ્થાપનના મુદ્દા પર ફરીથી ગંભીર સવાલો ઉભા કર્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે વધુ સઘન આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે કહ્યું કે, ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિરના માર્ગમાં મચેલી નાસભાગમાં થયેલી જાનહાનિથી અત્યંત દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની કામના કરું છું. સ્થાનિક પ્રશાસન અસરગ્રસ્ત લોકોને સહાય કરી રહ્યું છે.












Click it and Unblock the Notifications
