કોરોના લોકડાઉન: મસ્જિદ ખાલી કરવાની મૌલાનાએ ના પાડતા અજીત ડોભાલ ખુદ પહોંચ્યા હતા!
નિઝામુદ્દીન મરકઝના મૌલાના સાદે બંગાળી મસ્જિદ ખાલી કરવા દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મચક ન આપતા અમિત શાહે અજીત ડોભાલને મેદાને ઉતાર્યા હતા.
દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતમાંથી 24 કોરોના પોઝીટીવ કેસ મળતા દેશભરમાં મોટો હંગામો થયો છે. હંગામાં બાદ તેની સાથે સંકળાયેલા લોકોને દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. મરકઝ વિશેના સમાચાર બાદ નિઝામુદ્દીન મરકઝના મૌલાના સાદે બંગાળી મસ્જિદ ખાલી કરવા દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓને મચક ન આપતા અમિત શાહે અજીત ડોભાલને મેદાને ઉતાર્યા હતા.

રાતે 2 વાગ્યે મરકઝ પહોંચ્યા
ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓનું માનીયે તો ડોભાલ 28-29 માર્ચની રાતે 2 વાગ્યે મરકઝ પહોંચ્યા હતા અને મૌલાના સાદને કોરોનાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. અમિત શાહ અને ડોભાલ પરિસ્થિતિથી વાકેફ હતા, કારણ કે સુરક્ષા એજન્સીઓએ 18 માર્ચે જ તેલંગાણાના કરીમનગરમાં મરકઝમાંથી આવેલા 9 પોઝિટિવ ઇન્ડોનેશિયનને ટ્રેક કર્યા હતા. સુરક્ષા એજન્સીઓએ બીજા દિવસે રાજ્યની તમામ પોલીસ અને સહાયક કચેરીઓને મરકઝ વિશે એલર્ટ મોકલ્યું હતું.

ડોભાલની દખલ પછી જમાતે મસ્જિદની સફાઈ કરી
મરકઝે 28 અને 29 માર્ચે 167 તબલિગી કાર્યકર્તાઓને હોસ્પિટલમાં દાખલ કરવાની મંજૂરી આપી હતી, જ્યારે ડોભાલની દખલ પછી જમાતે મસ્જિદની સફાઈ કરી હતી. ડોભાલે પાછલા દાયકાઓમાં ભારત અને વિદેશમાં વિવિધ મુસ્લિમ મુવમેન્ટ સાથે ઘણા સંબંધ બાંધ્યા છે. ડોભાલ લગભગ તમામ મુસ્લિમ ઉલેમાઓને જાણે છે અને દેશ માટે વ્યૂહરચના બનાવવા માટે તેમની સાથે સમય પણ વિતાવે છે.

વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યુ
ઓપરેશન હવે બીજા તબક્કામાં છે. સુરક્ષા અધિકારીઓ મુજબ હવે આમાં સામેલ થયેલા તમામ વિદેશીઓ કે જેઓ ભારતમાં છે તેને શોધીને તબીબી તપાસ કરાય છે. એ ઉપરાંત વિઝાના ધોરણોનું ઉલ્લંઘન થયુ છે કે નહીં તેના પર નજર રખાઈ રહી છે. દિલ્હીના મરકઝમાં 216 વિદેશી નાગરિકો હતા, પરંતુ દેશના જુદા જુદા ભાગોમાં 800 કરતા વધારે છે. તેમાંના મોટા ભાગના ઇન્ડોનેશિયા, મલેશિયા અને બાંગ્લાદેશના નાગરિકો છે. ગૃહમંત્રાલયે જણાવ્યુ છે કે જાન્યુઆરી બાદ મરકઝમાં લગભગ 2 હજાર વિદેશી નાગરીકો ઉપસ્થિત રહ્યા છે. પ્રારંભિક અહેવાલો મુજબ લગભગ તમામ વિઝાની શરતોનું ઉલ્લંઘન કરીને પ્રવાસીઓના વિઝા પર ભારતમાં પ્રવેશ્યા હતા.

દેશભરમાં કેસ વધી રહ્યા છે
ભારતમાં હવે કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. આ રોગચાળાને કારણે દેશભરમાં અત્યાર સુધીમાં સતત મોત થઈ રહ્યા છે. તો બીજી તરફ લોકો સ્વસ્થ પણ થઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના અપડેટ ડેટા મુજબ, 1832 કેસ નોંધાઈ ચુક્યા છે. મહારાષ્ટ્ર સૌથી આગળ છે. જ્યારે કેરળમાં પણ સતત કેસ વધી રહ્યા છે.












Click it and Unblock the Notifications
