'હું સરકારી આતંકવાદ, હિંસાનો ભોગ બન્યો', હુમલા બાદ અભિષેક બેનર્જીની વેદના છલકાઈ, BJP પર ગંભીર આક્ષેપો
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચૂંટણી પરિણામો પછી હિંસા અને સંઘર્ષનો દોર અટકતો જણાતો નથી. આ વખતે વિવાદના કેન્દ્રમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ અને સાંસદ અભિષેક બેનર્જી છે. દક્ષિણ 24 પરગણાના સોનારપુર ખાતે તેમના પર થયેલા હુમલા બાદ રાજ્યની રાજનીતિમાં નવો ભૂકંપ આવ્યો છે. એક તરફ પોલીસે કાર્યવાહી કરીને પાંચ લોકોની ધરપકડ કરી છે, તો બીજી તરફ અભિષેક બેનર્જી અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ સમગ્ર ઘટનાક્રમને રાજકીય ષડયંત્ર અને રાજ્ય પ્રાયોજિત હિંસા ગણાવ્યો છે.
સૌથી વધુ ચર્ચા અભિષેક બેનર્જીના એ નિવેદનની થઈ રહી છે, જેમાં તેમણે પોતાને "સરકારી આતંકવાદ અને રાજકીય હિંસાનો શિકાર" ગણાવ્યા છે. તેમના આ આરોપોએ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના સંઘર્ષને વધુ તીવ્ર બનાવ્યો છે.

હુમલા બાદ હૉસ્પિટલના બિછાનેથી TMC સાંસદ અભિષેક બેનર્જીનો ગુસ્સો અને દુઃખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (એક્સ) પર ઉમટી પડ્યું. તેમણે કેન્દ્રની રાજનીતિ અને રાજ્યની કાયદો વ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા પોતાને એક પીડિત તરીકે રજૂ કર્યા.
અભિષેક બેનર્જીએ પોતાની પોસ્ટમાં લખ્યું, "ગયા વર્ષે હું 'ઓપરેશન સિંદુર' હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને પાંચ દેશોની મુસાફરી કરી હતી અને આતંકવાદ વિરુદ્ધ દેશનો પક્ષ રજૂ કર્યો હતો."
તેમણે આગળ લખ્યું, "પરંતુ આજે હું રાજકીય હિંસા અને એવા લોકો દ્વારા ફેલાવવામાં આવેલા સરકારી આતંકવાદનો શિકાર બનીને ઊભો છું, જેઓ પોતાને રાષ્ટ્રવાદના રક્ષક હોવાનો દાવો કરે છે. આ જ આજની ભાજપની વાસ્તવિકતા છે. જો તમે તેમને સમર્થન આપો છો, તો તમે દેશભક્ત છો. જો તમે તેમના પર સવાલ ઉઠાવો છો, તો તમે નિશાન બનશો. જો તમે તેમની સાથે ઊભા રહો છો, તો તમારું ગુણગાન થાય છે. જો તમે તેમની વિરુદ્ધ ઊભા રહો છો, તો તેઓ તમને ચૂપ કરાવવાનો પ્રયાસ કરે છે."
અભિષેક બેનર્જીએ વધુમાં લખ્યું, "હું મારા સિદ્ધાંતો સાથે સમાધાન કરીને આરામદાયક જીવન જીવવા કરતાં, લોકશાહીની રક્ષા કરતા ધમકીઓનો સામનો કરવાનું વધુ પસંદ કરીશ. સત્તા તો અમુક સમય માટે હોય છે, પરંતુ જનતાની ઈચ્છા હંમેશા કાયમ રહે છે. હું ફક્ત જનતા સામે ઝુકીશ, સત્તામાં બેઠેલા લોકો સામે ક્યારેય નહીં."
તેમણે ભારપૂર્વક કહ્યું, "અમે એવા લોકો વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રાખીશું, જેઓ લોકશાહીને નબળી પાડવા અને આપણા દેશને વિભાજિત કરવા માગે છે. INDIA એકજુટ થઈને ઊભું છે અને આપણે સૌ સાથે મળીને સુનિશ્ચિત કરીશું કે, ડર, નફરત, હિંસા અને ધમકીઓની રાજનીતિ હારે અને જનતાનો અવાજ જ જીતે."
અભિષેક બેનર્જીએ સત્તામાં બેઠેલા લોકોને ચેતવણી આપતા જણાવ્યું કે તાકાત હંમેશા ટકતી નથી, પરંતુ જનતાની ઈચ્છા સ્થાયી હોય છે. તેઓ ફક્ત જનતા સમક્ષ નમશે, સત્તાના અહંકાર સામે ક્યારેય નહીં. વિપક્ષના મોટા નેતાઓ જેવા કે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા અભિષેકે આરોપ લગાવ્યો કે તેમની સુરક્ષા હટાવવી, ગુપ્ત માહિતીની ચેતવણીઓ છતાં પોલીસ તૈનાત ન કરવી અને હથિયારબંધ ગુંડાઓને છૂટ આપવી એ કોઈ બેદરકારી નહીં, પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું.
હુમલા બાદ અનેક વિપક્ષી નેતાઓએ અભિષેક બેનર્જી પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ ઘટના પર ચિંતા વ્યક્ત કરી. રાહુલ ગાંધીને જવાબ આપતા અભિષેકે કહ્યું કે લોકતાંત્રિક સંસ્થાઓ અને બંધારણની રક્ષાની લડાઈમાં વિપક્ષી દળોની એકતા જરૂરી છે. તેમણે રાહુલ ગાંધીના સમર્થન માટે આભાર પણ વ્યક્ત કર્યો.
સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવને જવાબ આપતા અભિષેકે વધુ ગંભીર આરોપો લગાવ્યા. તેમણે દાવો કર્યો કે આ કોઈ ભીડની અચાનક થયેલી કાર્યવાહી ન હતી, પરંતુ વહીવટી નિષ્ફળતાનું પરિણામ હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેમની સુરક્ષા વ્યવસ્થા હટાવવામાં આવી, પર્યાપ્ત પોલીસ બળ લગાડવામાં આવ્યું નહીં અને ચેતવણી છતાં પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં આવી નહીં. જોકે, આ આરોપો પર રાજ્ય પ્રશાસન અને ભાજપ તરફથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે.
હુમલા બાદ ઘાયલ અભિષેક બેનર્જીને પહેલા એપોલો હોસ્પિટલ અને બાદમાં બેલે વ્યુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને મળ્યા બાદ શનિવારે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સીધી રીતે પોલીસ પ્રશાસન અને ભાજપના નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
મમતા બેનર્જીએ મોટો દાવો કરતા કહ્યું કે દક્ષિણ સોનારપુર ખાતે થયેલો આ હુમલો સામાન્ય ન હતો. તેમણે કહ્યું કે જો અભિષેક બેનર્જીએ તે સમયે હેલ્મેટ ન પહેર્યું હોત, તો કદાચ તેમનો જીવ પણ જઈ શકતો હતો. મમતાએ અત્યંત ગંભીર આરોપ લગાવતા કહ્યું કે દક્ષિણ કોલકાતાના ડીસીપી (DCP) અને ઘણા ભાજપ નેતાઓ તરફથી ડોકટરો અને હોસ્પિટલના મેનેજમેન્ટને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. તેઓ ડોકટરો પર અભિષેકને જલદીથી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ (Discharge) કરવા દબાણ કરી રહ્યા હતા.
તેમણે સવાલ ઉઠાવ્યો કે જો અભિષેકની હાલત ગંભીર ન હતી તો તેમને પહેલા ઇન્ટેન્સિવ થેરાપી યુનિટ (ITU)માં કેમ રાખવામાં આવ્યા, અને પછી અચાનક ડિસ્ચાર્જ કેમ કરી દેવામાં આવ્યા? આ જ કારણથી હવે અભિષેકનો ઇલાજ હૉસ્પિટલને બદલે ઘરે જ ચાલુ રહેશે, જ્યાં ઓક્સિજન સિલિન્ડર અને અન્ય જરૂરી મેડિકલ ઉપકરણો ગોઠવી દેવામાં આવ્યા છે.
દક્ષિણ 24 પરગણા જિલ્લાનો સોનારપુર વિસ્તાર બંગાળની રાજનીતિમાં હંમેશા રાજકીય દૃષ્ટિએ સંવેદનશીલ રહ્યો છે, જ્યાં ચૂંટણી દરમિયાન અને પછી TMC અને ભાજપના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણો સામાન્ય છે. આ વખતે પણ 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પછી મે મહિનામાં અહીં ભીષણ હિંસા જોવા મળી. આ હિંસા દરમિયાન સોનારપુરમાં એક TMC કાર્યકરને માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારબાદ વિસ્તારમાં તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો.
આના જવાબમાં કમરાબાદ નસ્કરપાડા વિસ્તારમાં ભાજપ કાર્યકર સૌમેન દાસના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ જ હિંસક પૃષ્ઠભૂમિ વચ્ચે જ્યારે અભિષેક બેનર્જી પીડિત પરિવારોનો ઉત્સાહ વધારવા પહોંચ્યા, ત્યારે તેઓ પોતે હિંસાનો ભોગ બન્યા. રાજકીય દૃષ્ટિએ જોઈએ તો સોનારપુર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી હાલમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા રૂપા ગાંગુલી ધારાસભ્ય છે. તેમણે 2026ની આ ઐતિહાસિક ચૂંટણીમાં TMCના ઉમેદવાર અરુંધતી મૈત્રા (લવલી મૈત્રા)ને કારમી હાર આપીને આ ગઢમાં કમળ ખીલવ્યું હતું.
આ સમગ્ર રાજકીય ગરબડના મૂળ 4 મે, 2026ના રોજ આવેલા પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે જોડાયેલા છે. આ ચૂંટણીએ બંગાળના ઇતિહાસને સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો.
294 બેઠકો ધરાવતી બંગાળ વિધાનસભામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા 208 બેઠકો પર કબજો જમાવીને રાજ્યમાં પહેલીવાર પોતાની સરકાર બનાવી. સતત ત્રણ વખત સત્તામાં રહેલી મમતા બેનર્જીની TMC પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ અને ફક્ત 80 બેઠકો પર સિમટીને રહી ગઈ.
સૌથી મોટો આંચકો અભિષેક બેનર્જીને તેમના પોતાના સંસદીય ક્ષેત્ર હેઠળ આવતી ફાલતા વિધાનસભા બેઠક પર લાગ્યો, જ્યાં ભાજપે સમગ્ર રાજ્યમાં સૌથી મોટા માર્જિનથી જીત મેળવીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આ ઐતિહાસિક ફેરબદલ પછી શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના પહેલા ભાજપ મુખ્યમંત્રી તરીકેની કમાન સંભાળી. સત્તા બદલાયા પછીથી સમગ્ર રાજ્યમાં રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અને પોલીસે હવે વિડિયો ફૂટેજના આધારે દરોડા પાડીને અભિષેક બેનર્જી પર હુમલો કરનારા 5 આરોપીઓની ધરપકડ કરી છે.












Click it and Unblock the Notifications
