મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન થયુ હોત તો બીજેપી હારતી? જાણો શું કહે છે આંકડા?
પાંચ રાજ્યોની ચૂંટણીમાં 3 મોટા રાજ્યોમાં કોંગ્રેસની હારે ઘણા સવાલ પેદા કર્યા છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન બની રહ્યું છે બીજી તરફ સવાલ ઉઠી રહ્યો છે કે જો વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ ગઠબંધન સાથે લડતી તો કોઈ ફાયદો થતો?
સવાલ ઉઠી રહ્યો છે કે મધ્યપ્રદેશ કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હોત તો જીત મળતી, જો કે આ દાવો કેટલો સાચો છે એની વિગતે માહિતી અમે તમને આપીશું.

જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ 71 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. સમાજવાદી પાર્ટીએ કહ્યું કે, તે કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા માંગે છે પરંતુ જ્યારે તેની વાત સાંભળવામાં ન આવી તો તેને એકલા લડવાની ફરજ પડી.
ચૂંટણીના પરિણામો બાદ સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે, હવે અહંકાર છોડી દેવો જોઈએ. આ સ્થિતિમાં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે જો કોંગ્રેસે મધ્યપ્રદેશમાં સપા સાથે ગઠબંધન કર્યું હોત તો તેને કેટલો ફાયદો થયો હોત?
અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશમાં જે 71 બેઠકો પર સમાજવાદી પાર્ટીએ તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી ભાજપે 55 બેઠકો જીતી છે. કોંગ્રેસના ઉમેદવારો 15 બેઠકો પર જીત્યા, જ્યારે એક બેઠક તાજેતરમાં રચાયેલી ભારત આદિવાસી પાર્ટીને ગઈ.
આનો અર્થ એ છે કે સમાજવાદી પાર્ટી 71 બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. આ 71 સીટો પર સમાજવાદી પાર્ટીને કુલ વોટ શેર માત્ર 0.46 ટકા મળ્યો છે, જે એક ટકાથી ઓછો છે.
હવે સવાલ એ છે કે જો સપા-કોંગ્રેસ સાથે લડ્યા હોત તો શું થાત? આ 71 બેઠકો પર વિવિધ પક્ષોને મળેલા મતો પર નજીકથી નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન ખૂબ જ નબળું હતું અને તે કોંગ્રેસની વોટબેંકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો કરી શક્યુ નથી.
બીજેપીએ જીતેલી 55 બેઠકોમાંથી માત્ર 5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને મળેલા મતો ઉમેરવામાં આવે તો તેમને ભાજપ કરતા વધુ મત મળે છે.
સમાજવાદી પાર્ટીને માત્ર 16 સીટો પર એક ટકાથી વધુ વોટ શેર મળ્યા, જ્યારે 7 સીટો એવી હતી જ્યાં તેને 5 ટકાથી વધુ વોટ મળ્યા. એક નિવારી વિધાનસભા સીટ સિવાય સમાજવાદી પાર્ટીના કોઈ ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા નથી.
આ સ્થિતીમાં એ સ્પષ્ટ છે કે જો સપા અને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો પણ રાજ્યની 230માંથી 163 બેઠકો જીતનાર બીજેપી પર તેની બહુ અસર ન થઈ હોત.












Click it and Unblock the Notifications
