કુદરતનો બેવડો મિજાજ: દેશના આ રાજ્યોમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Weather Update: ભારત અત્યારે હવામાનના બે અત્યંત વિરોધાભાસી સ્વરૂપોનો સામનો કરી રહ્યું છે. એક તરફ દક્ષિણ ભારતમાં મેઘરાજાએ મંડાણ કર્યા છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ રહી છે, તો બીજી તરફ ઉત્તર અને મધ્ય ભારત હાડ થીજવતી ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 4-5 દિવસ માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે.

દક્ષિણ ભારત: બંગાળની ખાડીમાં 'ડીપ ડિપ્રેશન'થી ખતરો
બંગાળની ખાડીમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આશંકા છે.
- તમિલનાડુમાં ઓરેન્જ એલર્ટ: ચેન્નાઈ, પુડુચેરી અને નાગપટ્ટિનમ સહિતના જિલ્લાઓમાં 13 જાન્યુઆરી સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- અન્ય રાજ્યો: કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના તટીય વિસ્તારોમાં પણ તેજ પવન સાથે વરસાદ તૂટી પડવાની શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ઉત્તર ભારત: શીતલહેર અને 'કોલ્ડ ડે'ની સ્થિતિ
હિમાલયની પહાડીઓમાં થઈ રહેલી સતત હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડ્યો છે.
- કાતિલ ઠંડી: દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
- ધુમ્મસનું ગ્રહણ: વહેલી સવારે 'ઝીરો વિઝિબિલિટી'ને કારણે રેલવે અને ફ્લાઇટ્સના શિડ્યુલ ખોરવાઈ શકે છે. વાહન ચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
- બિહારમાં એલર્ટ: બિહારના અડધાથી વધુ જિલ્લાઓમાં ઠંડીને લઈને 'યલો' અને 'ઓરેન્જ' એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં બેવડી આફત: ઠંડી સાથે પ્રદૂષણનો કહેર
રાજધાની દિલ્હીના રહીશો અત્યારે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. અહીં ઠંડીની સાથે પ્રદૂષણ (AQI) 400ને પાર કરી ગયું છે, જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. આનંદ વિહાર અને ચાંદની ચોક જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી છે, જે બાળકો અને વૃદ્ધો માટે જોખમી સાબિત થઈ શકે છે.
પહાડોમાં બરફની ચાદર
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા ચાલુ છે. ગુલમર્ગ અને સોનમર્ગ જેવા પ્રવાસન સ્થળોએ તાપમાન માઈનસ 5થી 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ બરફીલા પવનોને કારણે આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.












Click it and Unblock the Notifications
