ચિંતાજનક! દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર નવા કેસ નોંધાયા
ચિંતાજનક! દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 હજાર નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસને કહેર ઘટવાનું નામ નથી લઇ રહ્યો. ભારતમાં સતત વધી રહેલા કોરોના વાયરસથી સંક્રમિતોનો આંકડો 11 લાખને પાર પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં ભારતમાં 40,425 નવા કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના એક દિવસમાં નોંધાયેલા આંકડાઓમા સૌથી વધુ છે, જે દર્શાવે છે કે દેશમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા હરણફાળ ગતિએ વધી રહી છે. જો કે સારી બાબત એ છે કે 7 લાખ લોકો આ ઘાતક વાયરસને માત આપવામાં સફળ થયા છે. ભારતમાં હાલ 3,90,459 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં કુલ 27,497 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

1.4 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ થયુ
ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ મુજબ રવિવાર સુધીમાં 1 કરોડ 40 લાખ 47 હજાર 908 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. નોંધનીય છે કે શહેરી વિસ્તારોમાં સેમ્પલ ટેસ્ટિંગનો દર વધારી દેવામાં આવ્યો છે, જો કે ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ ટેસ્ટિંગ બહુ ઓછા પ્રમાણમાં થઇ રહ્યું છે જ્યાં કોરોનાના કેસ ઝડપે વધી રહ્યા છે.

મૃત્યુદરમાં ઘટાડો આવ્યો
ગતરોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ કોરોના વાયરસથી મૃત્યુદર પહેલીવાર ઘટીને 2.5 ટકા પર પહોચ્યો છે. વૈશ્વિક મૃત્યુદરથી ભારતનો મૃત્યુદર 1.7 ટકા ઓછો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ દેશના 14 રાજ્યો અને 1 ટકા કરતા પણ ઓછો મૃત્યુદર છે. જો કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં મૃત્યુદર ચિંતાજનક છે.

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર
વિશ્વભમાં કોરોના વાયરસના 1 કરોડ 46 લાખ 45 હજાર 947થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં વિશ્વભરના 6 લાખ 9 હજાર જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. અમેરિકાની હાલત સૌથી ખરાબ છે જ્યાં સૌથી વધુ 38 લાખ 98 હજાર લોકો સંક્રમિત થયા છે અને 1 લાખ 43 હજારથી વધુ લોકો સંક્રમણને પગલે મૃત્યુ પામ્યા છે.












Click it and Unblock the Notifications
